સાંજ સુધીમાં હડતાળિયા કન્ડક્ટર હાજર નહીં થાય તો ઘરે બેસશે

અમદાવાદ: એએમટીએસમાં કરાર આધારિત ફરજ બજાવતા ૧ર૯૧ કંડકટર ગયા સોમવારની સવારથી અચાનક હડતાળ પર ઊતરી જતાં હજારો ઉતારુઓ રઝળતા થયા છે. બીજી તરફ તંત્ર દ્વારા ‘એસ્મા’ હેઠળ અપાયેલી જાહેર નોટિસનો સમયગાળો આજે સાંજે પાંચ વાગ્યે પૂરો થાય છે, જો આજે સાંજે હડતાળિયા કર્મચારીઓ ફરજ પર હાજર નહીં થાય તો સઘળા કર્મચારીઓ આપોઆપ ઘરે બેસી જશે તેવી ચીમકી તંત્રએ આપતાં આજનો દિવસ હડતાળના સંદર્ભે નિર્ણાયક પુરવાર થશે.

છ લાખથી વધુ શહેરીજનો માટે દરરોજ ઉપયોગી બનતી એએમટીએસ જંગી ખોટના ખાડામાં ધકેલાયું છે. એએમટીએસની સામાન્ય દિવસોની દૈનિક આવક રૂ.૩ર લાખ છે, તેમ છતાં તંત્ર દરરોજ એક કરોડ રૂ‌િપયાની ખોટ કરે છે! અત્યારના હડતાળના માહોલમાં છેલ્લા સાત દિવસમાં જ એએમટીએસને ઓછામાં ઓછું રૂ.૭૦ લાખનું નુકસાન થઇ ચૂક્યું છે. આજના હડતાળના આઠમા દિવસે સત્તાવાળાઓ માંડ ૬૬ર બસ ડેપોમાંથી બહાર કાઢી શક્યા છે. ચે‌િકંગ સ્ટાફ પણ ઉતારુઓની ટિકિટ ફાડી રહ્યા હોઇ ખુદાબક્ષને જલસા થઇ રહ્યા છે.

એએમટીએસના વહીવટી સત્તાવાળાઓ કહે છે કે ગયા સોમવારે હડતાળિયા કર્મચારીઓ આવેદનપત્ર સુપરત કરવા આવ્યા તે વખતે જ તેમને નોકરી પર હાજર થઇ જવાનો આદેશ અપાયો હતો. શનિવાર સવારની એસ્મા હેઠળની મુદતના ૪૮ કલાક કામકાજના દિવસો જોતાં આજે સાંજે પાંચ વાગ્યે પૂરા થાય છે, જો આ કર્મચારીઓ ફરજ પર હાજર નહીં થાય તો આપોઆપ નોકરીમાંથી ઘરે બેસી જશે, જ્યારે શાસકોએ સમગ્ર હડતાળ પ્રત્યે “નરો વા કુંજરો વા” અભિગમ અપનાવ્યો છે.

આજે બપોરે જમાલપુર ખાતે કર્મચારીઓ ધરણાં બાદ તંત્રને આવેદનપત્ર સુપરત કરશે. ગુજરાત મઝદુર સભાના અગ્રણીઓ કહે છે, “દૈનિક રૂ.૩૧પમાં વધારા જેવું વચગાળાનું સમાધાન અમને જોઇતું નથી. અમારી મુખ્ય માગણીઓ મંજૂર નહીં કરાય તો આ લડત ચાલુ રહેશે.

You might also like