પેટા ચૂંટણીમાં પણ ભાજપની લહેરઃ ૧૦માંથી સાત બેઠક પર આગળ

નવી દિલ્હી: આઠ રાજ્યમાં યોજાયેલી ૧૦ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. તમામ બેઠક પરથી મત ગણતરીના પ્રવાહ આવવાના શરૂ થઈ ગયા છે. પેટા ચૂંટણીમાં પણ ભાજપની લહેર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ૧૦ વિધાનસભા બેઠકમાંથી સાત બેઠક પર ભાજપ આગળ છે. દિલ્હીની રાજૌરી ગાર્ડન બેઠક પર પણ ભાજપ-અકાલી ગઠબંધનના ઉમેદવાર મનજીંદરસિંહ સિરસા આગળ છે, જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ છે. બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર છે.

મત ગણતરીના પ્રારંભિક પ્રવાહો અનુસાર ભાજપને દિલ્હી, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, આસામ અને મધ્ય પ્રદેશમાં એક એક બેઠક પર અન્ય પક્ષ કરતાં સરસાઈ મળી હોવાનું દેખાય છે, જ્યારે મધ્ય પ્રદેશની અટેર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. આજ બપોર સુધીમાં પરિણામ આવી જશે.

૯ એપ્રિલે જે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં આસામની ઘેમાજી, હિમાચલ પ્રદેશની ભોરંજ, મધ્ય પ્રદેશની અટેર અને બાંધવગઢ, પશ્ચિમ બંગાળની કાંથી દક્ષિણ, રાજસ્થાનની ધોલપુર, કર્ણાટકની નનજનગુડ અને ગુંદલુપેટ, ઝારખંડની લીટીપાડા અને દિલ્હીની રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

દિલ્હીની રાજૌરી ગાર્ડન બેઠક
દિલ્હીની રાજૌરી ગાર્ડન બેઠક પરની મત ગણતરીના પ્રારંભિક પ્રવાહ અનુસાર ભાજપ-અકાલી ગઠબંધનના ઉમેદવાર મનજીંદરસિંહ સિરસા પાંચ રાઉન્ડની મત ગણતરી બાદ ૪,૦૦૦થી વધુ મત સાથે અન્ય ઉમેદવાર કરતાં આગળ છે. કોંગ્રેસ બીજા નંબરે છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરજિતસિંહ ત્રીજા નંબરે છે.

હિમાચલ પ્રદેશની ભોરંજ બેઠક
હિમાચલની ભોરંજ બેઠક ભાજપે જીતી લીધી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અનિલ ધીમનનો ૮૪૩૩ મતથી વિજય થયો છે.

રાજસ્થાનની ધોલપુર બેઠક
રાજસ્થાનની ધોલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર બી.બી. શોભારાની શરૂઆતના પ્રવાહમાં આગળ છે, જ્યારે કોંગ્રેસના બનવારીલાલ શર્મા ભાજપના ઉમેદવાર કરતાં પાછળ છે. આ સીટ અત્યાર સુધી બસપાની હતી, પરંતુ તેના ધારાસભ્ય જેલમાં જતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

ઝારખંડની લીટીપાડા બેઠક
ઝારખંડની લીટીપાડા બેઠક પર પ્રારંભિક પ્રવાહો અનુસાર ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર સાઈમન મરંડી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભાજપના હેમલાલ મુર્મુ સહિત ૧૦ ઉમેદવાર છે.

મધ્ય પ્રદેશની અટેર અને બાંધવગઢ બેઠક
મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લાની અટેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે, જ્યારે બાંધવગઢની બેઠક પર ભાજપના ઉમેદવારની સરસાઈ છે.

આસામની ઘેમાજી બેઠક
આસામની ઘેમાજી બેઠક પર ભાજપના ઉમેદવાર ૨,૭૫૨ મતથી આગળ છે. અહીં આ બેઠક પર પ્રથમ વખત વીવીપીટીએ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ. બંગાળની કાંથી દક્ષિણ બેઠક
બંગાળની કાંથી દક્ષિણ બેઠક પર ટીએમસીના ઉમેદવાર ચંદ્રિકા ભટ્ટાચાર્ય પ્રારંભિક પ્રવાહો અનુસાર ૨,૯૩૫ મતથી આગળ છે.

કર્ણાટકની નનજનગુડ અને ગુંદલુંપેટ બેઠક
કર્ણાટકની આ બંને બેઠક પર મત ગણતરીના પ્રાવાહિક પ્રવાહો અનુસાર કોંગ્રેસના ઉમેદવારો આગળ છે.
http://sambhaavnews.com/

You might also like