મોબાઈલ પર અજમાવી શકાશે કિસ્મત, એપથી થશે લોટરી ટિકિટનું વેચાણ

નવી દિલ્હી: ધનવાન થવા માટે તમે ખૂબ જ જલદી મોબાઈલ દ્વારા લોટરીમાં તમારી કિસ્મત અજમાવી શકશો. ઘણા રાજ્યની મુખ્ય લોટરી વિક્રેતા કંપની સુગલ એન્ડ દામાણીએ હવે મોબાઈલ એપ દ્વારા બિઝનેસ વધારવાનું નક્કી કર્યું છે. કંપની આગામી થોડા દિવસોમાં ‘લકી ખેલ’ નામથી મોબાઈલ એપ લોન્ચ કરવા જઈ રહી છે.

સુગલ એન્ડ દામાણી ગ્રૂપના સીઈઓ કમલેશ વિજયે જણાવ્યું કે કોઈ પણ બિઝનેસ ડિજિટલ માધ્યમને અવગણી ન શકે. ૨૦૨૧ સુધી ૪૬.૮ કરોડ સ્માર્ટ ફોન યુઝર્સ હશે. મોબાઈલ ફોન દ્વારા અમે વધુ ગ્રાહકો સુધી પહોંચી શકીશું. ખર્ચમાં ઘટાડો થશે અને અમે ૨૪ કલાક ટિકિટ વેચી શકીશું.

કંપની ઓનલાઈન લોટરી બિઝનેસના ૭૫ ટકા હિસ્સા પર કબજો હોવાનો દાવો કરે છે. લોટરીને સમર્થન આપનાર રાજ્યમાં ૨૦,૦૦૦ પોઈન્ટ ઓફ સેલ દ્વારા રોજ ૧.૫ કરોડ ટ્રાન્ઝેકશન થાય છે. ગયા વર્ષે કંપનીનું ટર્નઓવર લગભગ ૧૫,૦૦૦ કરોડ રૂપિયા હતું. વિજયે કહ્યું કે મોબાઈલ ડિસ્ટ્રિબ્યુશન ચેનલ દ્વારા અમે વધુ ને વધુ ગ્રાહકોને જોડવા ઈચ્છીએ છીએ. અમે એ તમામ લોકોને ટારગે્ટ કરી રહ્યા છીએ, જેની ઉંમર ૧૮ વર્ષથી વધુ છે.

મોબાઈલ પર કેવી રીતે વેચાણ થશે
કમલેશ વિજયે જણાવ્યું હતું કે લોટરી ટિકિટોને મોબાઈલ એપ દ્વારા વેચવામાં આવશે. ગ્રાહકોને મોબાઈલ ફોનમાં એપ ડાઉનલોડ કર્યા બાદ ખુદને રજિસ્ટર કરવા પડશે. હજુ આ એપ માત્ર એન્ડ્રોઈડ પર ઉપલબ્ધ હશે. યુઝર્સ બેન્ક એકાઉન્ટ કે ઈ-વોલેટ લિંક કરીને ટિકિટ ખરીદી શકાશે.

આખી પ્રોસેસમાં સુરક્ષાનું વિશેષ ધ્યાન રખાશે. આ માટે ગ્રાહકોએ કેવાયસી કરાવવું પડશે. તેની સાથે જોડાવવા માટે બેન્ક એકાઉન્ટ ડિટેઈલ, એડ્રેસ અને ઉંમર સાબિત કરવા માટે પ્રૂફ આપવું પડશે.

કેવી રીતે ટિકિટ વેચાશે
શરૂઆતમાં નવ પ્રકારની લોટરી ટિકિટ વેચવામાં આવશે. જેની કિંમત રૂ. ૨ થી ૨૫ રૂપિયા સુધીની હશે. ઈનામી રકમ કેટલાક ૧૦૦ રૂપિયાથી લઈને ૨.૫ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. વધુ કિંમતવાળી ટિકિટ પર જેકપોટ પણ નીકળશે. હાલમાં ગોવા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની લોટરી ટિકિટોની શરૂઆત કરાશે. ત્યાર બાદ પંજાબ અને મહારાષ્ટ્રને જોડવામાં આવશે.

You might also like