વેપારીઓને બોટલમાં ઉતારતી ટોળકીના બે સાગરીત ઝડપાયા

અમદાવાદ: મોટો વેપાર ધરાવતા વેપારીઓને ફોન કરી લાખોનો માલ મંગાવી સિક્યોરિટી પેટે બેલેન્સ વગરના ચેક આપી છેતરપિંડી કરતી ગેંગના બે સભ્યની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસે તેલના ૭૦ ડબા, ટ્રકનાં ૧૬ ટાયર અને આઈશર ટ્રક મળી કુલ રૂ. ૬.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર અન્ય એક સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર. આર. સરવૈયાની ટીમના પીએસઆઈ આર. આર. સુવેરાએ બાતમીના આધારે કનુભાઈ કાશીરામ પટેલ (ઉં.વ. ૪૮, રહે. ભુવનેશ્વરી સોસાયટી, ડભોલી ગામ, સુરત) અને સંદીપ ઉર્ફે રાજુ જયેન્દ્રભાઈ પાઠક (ઉં.વ. ૩૯, રહે. કાવ્યા રેસિડેન્સી, ઠક્કરનગર)ની ધરપકડ કરી હતી.

બંને આરોપીઓની પૂછપરછ કરતાં તેઓનો રમેશ પટેલ નામનો એક સાગરીત કે જે અલગ અલગ મોટા વેપારીઓને ખોટા નામથી ફોન કરી, પોતાની વેપારી તરીકેની ઓળખ આપી માલ ખરીદવાની વાત કરતો અને આવા વેપારી માલ આપવા તૈયાર થઈ જાય તો કોઈ પણ જગ્યાએ માલ મંગાવી લઈ રોડ ઉપર જ માલની ડિલિવરી લઈ વેપારીને પૈસા ચૂકવી આપવાનો વાયદો કરી આરોપી કનુભાઈ કાશીરામ પટેલના ગણેશ ટ્રેડિંગના નામે આવેલ ઓઢવ એક્સિસ બેન્કના એકાઉન્ટના ચેક આવા વેપારીને સિક્યોરિટી પેટે આપી વેપારીનો ભરોસો મેળવતા હતા અને આ રીતે આવો માલ મેળવી લેતા હતા અને વેપારી ફોન કરી પૈસાની માગણી કરે તો અલગ અલગ જગ્યાએ તેઓને બોલાવી નાણાં લઈ જવા જણાવી ભરોસામાં રાખતા હતા, પરંતુ આરોપીઓ કોઈ જગ્યાએ વેપારીઓને પૈસા આપવા જતા નહીં અને આરોપીઓ ગણેશ ટ્રેડિંગના એકાઉન્ટમાં કોઈ બેલેન્સ રાખતા નહીં અને આવો માલ મેળવી લીધા બાદ ફોન પણ બંધ કરી દેતા હતા અને રીતે મેળવેલ માલ આરોપી સંદીપ ઉર્ફે રાજુ જયેન્દ્રભાઈ પાઠકને હવાલે કરતા હતા, જે માલ તે અલગ અલગ જગ્યાએ ગ્રાહકો શોધી વેચી નાખતો હતો અને આ રીતે મેળવેલ માલ રાખવા માટે આરોપીઓએ કઠવાડા જીઆઈડીસી ઝવેરી એસ્ટેટ ખાતે એક દુકાન પણ ભાડેથી રાખેલ હતી. આરોપીઓએ અમદાવાદમાં સાતેક જેટલા મોટા વેપારીઓ પાસેથી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.

You might also like