જીએસટી માટે સિંગલ પેજનું રિટર્ન ફોર્મ આવે તેવી શક્યતા

નવી દિલ્હી: સરકાર જીએસટીમાં વેપારીઓને મોટી રાહત આપી શકે છે. સરકાર જીએસટી અંતર્ગત રિટર્ન ફાઇલ કરવા માટે એક સિંગલ પેજનું ફોર્મ ઉપલબ્ધ કરાવશે. આગામી ત્રણથી છ મહિનાની અંદર આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેનાથી વેપારીઓને મોટી રાહત મળી શકે છે. ગત ૧૭ એપ્રિલે મળેલી જીએસટી મિનિસ્ટર્સની એક પેનલે આ સંબંધમાં નિર્ણય કર્યો છે.
દરમિયાન રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું કે અમે જીએસટી-૧ અને જીએસટી-૩બીનાં રિટર્ન એક કરી રહ્યા છીએ, જ્યાં ખામી હશે ત્યાં સુધારો કરાશે.


નોંધનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારે જીએસટી રિટર્નનું ફોર્મ-૩બી સરળ કરી દીધું છે, જેના કારણે વેપારીઓને રિટર્ન ભરવામાં ખૂબ સરળ થઇ રહ્યું છે.

વેપારીને રિટર્ન ભરવામાં સરળતા રહે તથા સરકારને પણ રેવન્યૂમાં નુકસાન ન જાય તેવું નવું ફોર્મેટ તૈયાર કરાશે

ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વારીસ ઇશાનીના જણાવ્યા પ્રમાણે હાલ વેપારીને જીએસટીના જીએસટીઆર-૧, જીએસટીઆર-૨ અને જીએસટીઆર-૩ એમ સેલ્સ, પરચેઝ, સેલ્સ-પરચેઝ મેચિંગ માટેના રિટર્ન કુલ ત્રણ ફોર્મ ભરવાના રહેશે. અમે આ અંગે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં સરળીકરણ માટે રજૂઆત કરી છે, જેમાં ખાસ કરીને વેપારીને પણ રાહત રહે અને સરકારને રેવન્યૂમાં નુકસાન ન જાય તે ઉપર ફોર્મેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ સરળ રહેશે.

You might also like