બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત ૧૨ને ઈજા, ૪૦ મુસાફરોનો અદ્ભુત બચાવ

અમદાવાદ: બોરસદ-ધર્મજ રોડ પર ડભાસી પાટિયા પાસે એસટી બસ અને ટ્રેલર વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં બસનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અા બસમાં મુસાફરી કરી રહેલા ૪૦ જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાને બાદ કરતા તમામ મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સુરતથી બોટાદ તરફ જઈ રહેલી એસટી બસ બોરસદ-ધર્મજ રોડ પર ડભાસી પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસ ઓવરટેક કરવા જતાં સામેથી અાવી રહેલા ટ્રેલર સાથે બસ અથડાઈ હતી અને બસનું અાખું પડખું ચીરાઈ જતાં બસનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો અને ડ્રાઈવરનો પણ પગ કપાઈ ગયો હતો. અા ઘટનામાં બસમાં સવાર ૪૦ મુસાફરો પૈકીના ૧૨ને ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. જોકે કોઈ જાનહાની થઈ ન હતી.

અા ઉપરાંત દીવ-સાસણ રોડ પર તલાલાના માધુપુર નજીક એક સ્વિફ્ટ કાર પલટી ખાઈ ઝાડ સાથે અથડાતાં કારમાં બેઠેલ પાંચ યુવાન પૈકી રાહુલ રાજપૂત, વિજયસિંહ લક્ષ્મણસિંહ સહિત ત્રણ યુવાનનાં મોત થયાં હતાં જ્યારે બેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like