ચાલુ બસમાં જુગાર રમતાં ૨૮ શખસ ઝડપાયાઃ ૩.૫૦ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ: મોટી મારડથી શીરડી જઈ રહેલી લકઝરી બસમાં જુગાર રમતાં ૨૮ શખસને લીંબડી હાઈવે નજીકથી ઝડપી લઈ રૂપિયા ૩.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અા અંગેની વિગત એવી છે કે જુનાગઢ નજીકના મોટી મારડ તથા અાજુબાજુના ગામના લોકો લકઝરી બસમાં શીરડી પ્રવાસે નીકળ્યા હતા. અા બસ લીંબડી હાઈવે પરથી પસાર થઈ ત્યારે ફરજ પરની પોલીસને શંકા જતાં બસને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન બસની પાછળના ભાગની સીટો કાઢી લઈ ગાદલા ગોઠવી મોટાપાયે જુગાર રમાતો હતો. પોલીસે જુગાર રમતાં ૨૮ શખસની ધરપકડ કરી રૂપિયા પોણા ત્રણ લાખની રકમ, ૩૧ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૩.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા જુગારીઓ કુતિયાણા અને મોટી મારડ ગામના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like