એસટી બસ અને ટ્રકના અકસ્માતમાં ૬નાં મોત

ભરૂચ : ગત મધ્યરાત્રિએ સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ૬ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતાં, એસટી બસ ચાલકે બસ પૂરપાટ ઝડપે હંકારતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. રવિવારની મધ્યરાત્રિના સમયે નેત્રંગ – દેડિયાપાડા રોડ મહારાષ્ટ્રના ૬ વ્યક્તિઓ માટે મોતનો સંદેશો લઇને આવ્યો હતો. મહારાષ્ટ્રના શિરપુરથી એસટી બસમાં ૪૭ મુસાફરો વડોદરા જઇ રહ્યાં હતાં. દરમિયાન નેત્રંગ દેડિયાપાડા રોડ પર આવેલ ફુલવાડી ગામ નજીક બસ ચાલક વિશાલ રાવે બસ ગફલતભરી રીતે હંકારી હતી.

આથી સામેથી આવતી ટ્રક નંબર જીજે-૧૧ ઝેડ-૭૭૭૭ સાથે બસ ધડાકાભેર ભટકાઇ હતી, જેમાં બસનો ડ્રાઇવર બાજુનો ભાગ ચીરાઈ જતાં બસમાં બેઠેલ પાંચ મૃતકો અને બસના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતાં. જયારે ૧૦થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

બનાવની જાણ થતાંની સાથે જ સ્થાનિક ગ્રામવાસીઓ અને નેત્રંગ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ બસમાં ફસાયેલ મુસાફરો તેમજ મૃતદેહને બહાર કઢાયા હતાં.અકસ્માતને પગલે રાત્રિના વાતાવરણનો સૂનકાર મુસાફરોની ચીસોથી ભયાવહ થઇ ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ તમામ મૃતકો પુરૂષો જ હોવાનું બહાર આવ્યું છે.

બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ટ્રકનો ચાલક પણ ગંભીર રીતે ઘવાતા તેને સારવારઅર્થે ખસેડવામાં આવ્યો હતો.

You might also like