સરવણા ઓવરબ્રિજ નજીકથી અર્ધ બળેલી હાલતમાં કિશોરીની લાશ મળી

અમદાવાદ, શુક્રવાર
હિંમતનગરના ગાંભોઇ નજીક આવેલા સરવણા ઓવરબ્રિજ પાસેથી અર્ધ બળેલી હાલતમાં એક કિશોરીની લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. આ કિશોરીની કોઇ નરાધમે હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ગાંભોઇ નજીક સરવડા ઓવરબ્રિજ પાસે અર્ધ બળેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં જ લોકોનાં ટોળેટોળાં એકત્ર થયા હતા. પોલીસે તાત્કાલીક પહોંચી એફએસએલની સહાયથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન આ લાશ ૧પ થી ૧૭ વર્ષની વયની કિશોરીની હોવાનું જણાવ્યું હતું.

કિશોરીનો ચહેરો અને કોણીથી પંજા સુધીના બંને હાથ સિવાય આખું શરીર બળેલું હતું. પોલીસે આજુબાજુમાં આવેલા ખેતરમાં કામ કરતા મજૂરોની સઘન પૂછપરછ કરી નિવેદનો લીધા છે. પરંતુ આ ઘટના પાછળની કોઇ ચોક્કસ કડી હજુ સુધી પ્રાપ્ત થઇ નથી. કોઇ અજાણ્યા નરાધમો આ કિશોરીનું અપહરણ કરી તેની અવાવરૂ સ્થળે હત્યા કર્યા બાદ લાશને ઓવરબ્રિજ પાસે લાવી સળગાવી દેવાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

કિશોરીના મૃતદેહ પાસેથી એક પણ પુરાવો ન મળતા પોલીસ માટે આ ઘટના પડકારરૂપ બની છે. પોલીસે હાલ લાશને પી.એમ. માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like