વણાંકબારા બંદર પર તાપણું કરતાં આગઃ ૫ બોટ, ૭૦ ઝૂંપડા બળીને ખાખ

અમદાવાદ: રવિવારે સવારે દીવ નજીક વણાંકબારા બંદર પર તાપણું કરતાં તેનું એક તણખલું ડીઝલનાં બેરલ પર પડતાં ભયાનક આગ લાગી હતી. આગમાં ૫થી વધુ ફિશિંગ બોટ સળગી ગઇ હતી. ફિશિંગ બોટને દરિયામાં અંદર બહાર કરતી એક ક્રેન પણ સળગી ગઇ હતી અને બોટની આજુબાજુમાં આવેલા ૭૦ જેટલાં ઝૂંપડા આગની ઝપટમાં આવી ગયા હતા.

આટલી મોટી આગ લાગવાથી આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ એટલી ભયાનક હતી કે કાબુમાં આવી શકી ન હતી. જોરદાર આગ લાગવાથી ધુમાડાનાં ગોટેગોટાં દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા અને દિવસ દરમિયાન રાત જેવો માહોલ સર્જાયો હતો. આગને કાબુમાં લેવા માટે વેરાવળ, કોડિનાર અને ઊનાના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી.

વણાંકબારા બંદરમાં લાગેલી આગની ઘટનાને પગલે વેરાવળથી પાલિકા પ્રમુખ જગદીશ ફોફંડી, સી ફૂડ એકસ્પોટ એસો.ના પ્રમુખ લખમભાઇ ભેસલા, માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, ખારવા સમાજના પટેલ પ્રભુદાસભાઇ કુહાડા સહિતના માછીમાર સમાજના જવાબદાર આગેવાનો વણાંકબારા બંદરે પહોંચી ગયા છે.

આ આગ સવારે તાપણું કરતી વખતે લાગી હતી. તાપણામાંથી આગનું તણખલું ડીઝલનાં બેરલ પર પડતા એકાએક આગ લાગી હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

You might also like