ગ્રેસમ સોલંકીની દફનવિધિ માટે એનજીઓ-લોકો આગળ આવ્યાં

અમદાવાદ: હાર્ટએટેકથી મૃત્યુ પામેલા ઘોડાસરના ૬૦ વર્ષીય ગ્રેસમ સોલંકીની લાશ છેલ્લા દોઢ મહિનાથી કોલ્ડ સ્ટોરેજમાં પડી રહી છે. ખ્રિસ્તી ધર્મના તમામ પંથના મૃતકોની દફનવિધિ માટેનાં કબ્રસ્તાન અંગેનું જાહેરનામું હોવા છતાં ફાધરની મનમાનીના કારણે ગ્રેસમ સોલંકીની લાશની દફનવિધિ થઇ શકતી ન હોવાનો અહેવાલ ‘સમભાવ મેટ્રો’માં પ્રકાશિત થતાં ગ્રેસમ સોલંકીની લાશની દફનવિધિ માટે અને જવાબદાર લોકો સામે પગલાં લેવા એનજીઓ અને અન્ય લોકો આગળ આવ્યા છે.

ઓલ ઇન્ડિયા લીગલ સર્વિસ સોસાયટીના ડાયરેક્ટર સેમસન ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે ‘સમભાવ મેટ્રો’માં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ આજે મૃતક ગ્રેસમ સોલંકીની દફનવિધિ તાત્કાલિક ધોરણે કરવા માટે પ્રયત્નો કરાશે. ઉપરાંત ખ્રિસ્તી ધર્મના તમામ પંથના મૃતકોની દફનવિધિ માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે તે કબ્રસ્તાનમાં દફનવિધિ માટે ના પાડનાર તમામની સામે પગલાં લેવા માટે આજે પોલીસ કમિશનર અને કલેક્ટરને મળી તેઓની સામે પગલાં લેવાની માગ કરવામાં આવશે. આ બાબતે પોલીસ અધિકારીઓ સાથે ‘સમભાવ મેટ્રો’ દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવતાં અધિકારીઓ દ્વારા ફોન ઉપાડવામાં આવતા નથી તેમજ ફોન કાપી વાત કરવા તૈયાર નથી.

You might also like