બર્ગર કિંગે બનાવ્યું મેકડોનાલ્ડનું ભૂત

અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં હાલમાં જ હેલોવિનનો તહેવાર પૂરો થયો છે. અંધશ્રદ્ધા અને ભૂતપ્રેતના અસ્તિત્વ તરફ નિર્દેશ કરતા આ તહેવારનું ખ્રિસ્તી ધર્મમાં મહત્ત્વનું સ્થાન છે. લોકો તેમના ઘરમાં તેમજ વિસ્તારમાં ભૂતપ્રેતને લગતી વસ્તુઓ મૂકે છે તેમજ ભૂતનો વેશ પણ ધારણ કરે છે. આવા વાતાવરણમાં લોકોને ડરાવવામાં આવે છે. આ તહેવાર હવે જનજીવનનો એક ભાગ બની જતાં મોટીમોટી કંપનીઓ પણ આ તહેવારની થીમની પસંદગી કરતી થઈ છે. અમેરિકાની ફાસ્ટફૂડ ચેઈન બર્ગર કિંગે તેની હરીફ ચેઈન મેકડોનાલ્ડની ઠેકડી ઉડાડતું હેલોવિન બનાવ્યું હતું. જેમાં એક સાઈનબોર્ડ પર સફેદ કાપડ ઓઢાડી તેની આંખો પર મેકડોનાલ્ડનો લૉગો દોરવામાં આવ્યો છે.

જેથી લોકોને સંદેશો મળે કે મેકડોનાલ્ડ હવે ભૂત થઈ ચૂક્યું છે. આ બોર્ડની નીચે સંદેશો લખવામાં આવ્યો છે કે આ તો માત્ર મજાકની વાત છે. અમે હજુ પણ ફ્લેમ-ગ્રિલ એટલે કે વર્ષોજૂની પદ્ધતિથી બર્ગર બનાવીએ છીએ. આ કટાક્ષ દ્વારા બર્ગર કિંગે સમગ્ર અમેરિકાના ગ્રાહકોની પ્રસંશા મેળવી છે. સોશિયલ મીડિયામાં પણ ઘટના વાઇરલ બની છે. આમ પણ મોટાભાગના પશ્ચિમી દેશોમાં આ બંને ચેઈન વર્ષોથી એકબીજાની કટ્ટર હરીફ રહી છે અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા આવા અવનવા તુક્કા અજમાવતી રહી છે, જોકે આ વખતે બર્ગર કિંગ મેદાન મારી ગયું છે. મેકડોનાલ્ડની સંવાદદાતા ટેરી હિકી આ મામલે પ્રતિક્રિયા આપતાં કહે છે કે, “વળતો જવાબ આપવાની અમારી કોઈ યોજના નથી. અમે સમયાંતરે નવાંનવાં ઉત્પાદનો આપતા જ રહીએ છીએ.”

You might also like