ઓસ્ટ્રેલિયન પ્રવાસની શોધ છે જસપ્રીત બૂમરાહઃ ધોની

નવી દિલ્હીઃ ગુજરાતનાે ૨૨ વર્ષીય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ પોતાની અનોખી બોલિંગ એક્શનને કારણે ઓસ્ટ્રેલિયામાં રાતોરાત ચમકમાં આવી ગયો છે અને તેને ભારતનો ‘લસિથ મલિંગા’ જાહેર કરી દેવામાં આવ્યો છે. શ્રીલંકાનો ફાસ્ટ બોલર મલિંગા પોતાની સાઇડ આર્મ એક્શનને કારણે દુનિયાભરમાં જાણીતો છે. બૂમરાહની સાઇડ આર્મ એક્શન પણ કેટલીક હદે મલિંગાને મળતી આવે છે. ગુજરાતના આ ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ શ્રેણીની મેચોમાં પોતાની એક્શન અને વિકેટ ઝડપવાની ક્ષમતાથી ક્રિકેટ પંડિતોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

ભારતીય કેપ્ટન ધોની પણ બૂમરાહના પ્રદર્શનથી ઘણો પ્રભાવિત છે. બૂમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સમાપ્ત થયેલી ટી-૨૦ શ્રેણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ધોનીએ કહ્યું, ”આખરે અમારી જીત થઈ અને હું આ જીતથી બહુ જ ખુશ છું. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમની ધરતી પર ૩-૦થી જીત હાંસલ કરવી હંમેશાં મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ એ પણ મહત્ત્વનું છે કે ટીમ કઈ દિશામાં આગળ વધી રહી છે.”

ધોનીએ જણાવ્યું કે, ”અમે અહીં શ્રેણી જીતી પરંતુ મોટી તસવીર પર નજર કરવી મહત્ત્વપૂર્ણ છે. જસપ્રીત બૂમરાહમાં ક્ષમતા છે અને તે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. એટલે સુધી કે તેણે અંતિમ મેચમાં પણ ઘણા સારા યોર્કર ફેંક્યા. બૂમરાહ ઓસ્ટ્રેલિયન પ્રવાસની શોધ છે. ટી-૨૦ શ્રેણીની ત્રણ મેચમાં તેણે જે રીતની બોલિંગ કરી છે તે વાસ્તવમાં પ્રશંસાને પાત્ર છે.”

આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા આ યુવાન ફાસ્ટ બોલરે એડિલેડમાં જેમ્સ ફોકનર અને મેલબોર્નમાં જોન હેસ્ટિંગ્સ તથા એન્ડ્ર્યુને બોલ્ડ કર્યો તે જોઈને ઘણાને મલિંગાની યાદ આવી ગઈ. મલિંગા પણ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. મેલબોર્નમાં બૂમરાહના યોર્કરનો હેસ્ટિંગ્સ અને એન્ડ્ર્યુ પાસે જોઈ જવાબ નહોતો. મલિંગાને પણ યોર્કરમેન કહેવામાં આવે છે તેનો ‘અંગૂઠા તોડ’ યોર્કરનો દુનિયાના કોઈ બેટ્સમેન પાસે કોઈ જવાબ નથી.

બૂમરાહે પણ કહ્યું કે, ”મેં બોલિંગ એક્શન અંગે મલિંગા સાથે પણ વાત કરી છે, કારણ કે તેની એક અલગ એક્શન છે. મલિંગાનું કહેવું હતું કે આ એક્શનથી તું જ્યાં ઇચ્છે ત્યાં બોલિંગ કરે છે અને તેને બદલવાની કોઈ જરૂર નથી.” બૂમરાહને મલિંગાના આ શબ્દો ઘણા પ્રેરણાદાયક લાગ્યા, જેમાં મલિંગાએ કહ્યું હતું કે દરેક બોલરની આવી એક્શન નથી હોતી અને બેટ્સમેનને રોજ આવી એક્શન જોવા મળતી નથી. આ મારી સ્વાભાવિક એક્શન છે અને બેટ્સમેનને તેનાથી ઘણી જ મુશ્કેલી પડે છે.”

You might also like