બમ્પર ઉત્પાદન છતાં બટાકાના ભાવ એક મહિનામાં હોલસેલમાં બમણા

અમદાવાદ: ઉત્તરપ્રદેશમાં બટાકાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે. આગ્રા સહિત તેની આજુબાજુના વિસ્તારોમાં માર્કેટયાર્ડમાં બટાકાની મબલખ આવક છે. યુપીના મોટા ભાગના માર્કેટ યાર્ડમાં બટાકાના ભાવ રૂ. ૪૦૦થી ૬૦૦ પ્રતિક્વિન્ટલની સપાટીએ પહોંચી ગયા છે, જોકે ટ્રાન્સપોર્ટેશનના ઊંચા ભાવના કારણે સ્થાનિક બજારમાં યુપી બાજુથી ઓછી આવક જોવા મળી રહી છે અને તેથી ખાસ ઘટાડાની અસર નોંધાઇ નથી. પાછલા એક માસમાં બટાકાના ભાવમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બટાકાના હોલસેલ વેપારીના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનાની શરૂઆતમાં ૪૦થી ૮૦ રૂપિયે પ્રતિ ૨૦ કિલોની સપાટીએ જોવા મળી રહેલા દેશી બટાકા હાલ વધીને ૭૦થી ૧૪૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે. એ જ પ્રમાણે ડિસાના બટાકાના ભાવ પણ પાછલા છ સપ્તાહમાં બમણા થઇ ગયા છે, જેના પગલે સ્થાનિક બજારમાં છેલ્લા એક મહિનામાં રિટેલમાં બટાકાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ચારથી છ સપ્તાહ અગાઉ આઠથી દશ રૂપિયે જોવા મળતાં બટાકાનું બમ્પર ઉત્પાદન હોવા છતાં ૩૦થી ૪૦ ટકાનો ઉછાળો નોંધાતાં રૂ. ૧૫થી ૧૮ પર પહોંચી ગયેલા જોવા મળે છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાલ ડિસા બાજુથી તથા ખેડાના ચકલાસી તથા તેની આજુબાજુના વિસ્તારોમાંથી નવી આવક આવી રહી છે, પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં મોટા પાયા પર સ્ટોકિસ્ટો દ્વારા સ્ટોર કરાયેલા હોવાના સમાચાર પાછળ અપૂરતા સપ્લાય વચ્ચે બટાકાના ભાવમાં તેજીની ચાલ જોવા મળી છે, જોકે વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ સપાટીથી હાલ હવે ભાવ વધે તેવી શક્યતા ખૂબ ઓછી છે.
http://sambhaavnews.com/

You might also like