બમ્પર online ડિસ્કાઉન્ટને હવે કેન્દ્ર સરકાર બ્રેક મારશે

નવી દિલ્હી: ઓનલાઇન શોપિંગમાં અત્યાર સુધી જબરજસ્ત ડિસ્કાઉન્ટ મેળવતા ગ્રાહકો માટે આ સમાચાર ફટકારૂપ છે. સરકાર એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટ પર મોનિટરિંગ કરીને લગામ કસવાની તૈયારીમાં છે.

સરકારે ઇ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટ સંબંધિત પક્ષકારો સમક્ષ ચર્ચા માટે રજૂ કર્યો હતો. આ પોલિસીના ડ્રાફ્ટમાં એવો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે આ પ્રકારના ડિસ્કાઉન્ટને એક ચોક્કસ મર્યાદા બાદ તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ કે જેથી ઇ-કોમર્સ સેક્ટરનું નિયમન થઇ શકે.

આ ઉપરાંત ઓનલાઇન શોપિંગમાં ચીજવસ્તુઓની ગુણવત્તાનું જે નકલી રેટિંગ કરવામાં આવે છે તેના પર પણ સરકાર લગામ મૂકવાની તૈયારીમાં છે. સરકાર હવે એવા કડક પગલાં લેવા જઇ રહી છે કે જેમાં ખરાબ પ્રોડક્ટ કે પ્રોડક્ટની નબળી ગુણવત્તા માટેની જવાબદારી હવે પ્રોડક્ટના ઉત્પાદક નહીં, પરંતુ પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી ઓનલાઇન કંપનીએ ઉઠાવવી પડશે. તેઓ સેલરની ભૂલ બતાવીને છટકી શકશે નહીં.

વાણિજ્ય અને ગ્રાહક મંત્રાલયે ઇ-કોમર્સ માટે જે નવી ગાઇડલાઇન બનાવી છે તે હેઠળ હવે પ્રોડક્ટના ફેક રેટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને તેને રોકવા માટે અનફેર બિઝનેસ પ્રેક્ટિસ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ગાઇડલાઇન અનુસાર જો પ્રોડક્ટ ફેક કે ડેમેજ થયેલી હશે તો વિક્રેતાની સાથેસાથે ઇ-કોમર્સ પોર્ટલ પણ જવાબદાર બનશે.

આમ, નવી ઇ-કોમર્સ પોલિસીમાં બમ્પર ઓનલાઇન ડિસ્કાઉન્ટને ગ્રહણ લાગશે અને સાથેસાથે નકલી રેટિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. પોર્ટલે હવે વિક્રેતાનું સંપૂર્ણ સરનામું અને કોન્ટેક્ટ નંબર પણ આપવા પડશે.

You might also like