કૃષ્ણનગરમાં લુખ્ખાં તત્ત્વોની ગુંડાગીરીઃ સિક્યોરિટીને ખંજરના ઘા ઝીંકી રિવોલ્વર લૂંટી લીધી

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે બુધવારે સાંજે તડીપાર થયેલા ધર્મેન્દ્ર બારડ અને તેના સાગરીતોએ તલવાર લઇને રીતસરનો આતંક મચાવતાં એક યુવકનું અપહરણ કરીને ઢોર માર મારતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

બાપા સીતારામ ચોકમાં પાસે રામેશ્વર બંગલોમાં રહેતા ભગીરથસિંહ રામભરોસેલાલ રાજપૂતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કૃખ્યાત ધર્મેન્દ્ર બારડ સહિત પાંચ લોકો સામે ફરિયાદ કરી છે. બુધવારે મોડી રાત્રે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ધર્મેન્દ્ર બારડ (રહે પ્રાર્શ્વનાથ ટાઉનશિપ, કૃષ્ણનગર), સીટુ, પ્રેમ તોમર, બિલ્લા અને રાજ ગુર્જર (તમામ રહે કૃષ્ણનગર)એ બાપા સીતારામ ચોક પાસે આવેલી બોમ્બે ફેશન માંથી રાજેશ સીકરવાર નામના યુવકનું અપહરણ કરીને દાસ્તાન ફાર્મ સર્કલ પાસે લઇ જઇને ઢોર માર માર્યો હતો.

રાજેશને સારવાર માટે સિવિલ હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યો હતો. મોડી રાતે રાજેશના કાકા ભગીરથસિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે કૃષ્ણનગરના સરદાર ચોક પાસે ધર્મેન્દ્ર બારડે તેમનું બાઇક રોક્યું હતું. ભગીરથસિંહ બોલે તે પહેલાં ધર્મેન્દ્રએ તેમની પર ઉપરા છાપરી ત્રણ ખંજરના ધા ઝીંકી દીધા હતા અને તેમની 32 બોરની લોડેડ રિવોલ્વર અને ત્રણ તોલાની સોનાની ચેઇન લૂંટીને ફરાર થઇ ગયાે હતાે.

ઇજાગ્રસ્ત ભગીરથસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કૃષ્ણનગર પોલીસે ધર્મેન્દ્ર સહિત પાંચ વ્યકિતઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. ભગીરથસિંહના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર રાજેશનું અપહરણ કરવા માટે આવ્યા તે સમયે રાજેશને છોડાવવા માટે વચ્ચે પડેલા બોમ્બ ફેશન શોપના માલિક પ્રદિપ ભદોરિયાને તલવારનો ધા ઝીંકી દીધો હતો. જ્યારે બાપા સીતારામ ચોક પર મુરલીધર આઇસક્રીમના માલિક પર પણ તલવાર વડે હુમલો કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like