સરખેજથી શાંતિપુરાનાં દબાણો પર ગમે ત્યારે બુલડોઝર ફરશે

અમદાવાદ, શનિવાર
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રસ્તા પરના દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. જે અંતર્ગત નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુરના બોટલનેક રસ્તા પરના દબાણને દૂર કરાયા બાદ હવે સરખેજ હાઇવે પરની સરખેેજ ચોકડીથી શાંતિપુરા ચોકડી સુધીના આશરે ૪૦૦ જેટલાં કાચાં-પાકાં દબાણને હટાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

સરખેજની ટીપી સ્કીમ નંબર ૮૭ અને ૮૯ હેઠળ સરખેજ હાઇવે પરના ૧ર મીટર પહોળા સર્વિસ રોડ પર વર્ષો જૂનાં દબાણ હતાં. કેટલાક લોકોએ નાની-મોટી કાચી-પાકી દુકાનો બાંધીને દબાણ ઊભાં કર્યાં હતાં. આ ઉપરાંત બીયુ પરમિશન લેવાની પણ આ દબાણકર્તાઓઅે મ્યુનિસિપલ તંત્રની પરવા કરી ન હતી. અંદાજે ૪૦૦ જેટલા દબાણનો પ્રશ્ન ગૂંચવાયેલો હતો. જોકે ચાર મહિના અગાઉ નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સર્વિસ રોડના ગેરકાયદે બાંધકામને હટાવવાની દબાણકર્તાઓને નોટિસ ફટકારાઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ મળતાં દબાણકર્તાઓમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. નોટિસની બજવણી કરાયા બાદ જે તે દબાણકર્તાઓની વાંધાની સુનાવણી કરાઇ હતી, પરંતુ આ મામલે કેટલાક દબાણકર્તાઓએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઇકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, તેમ છતાં હાઇકોર્ટના ચુકાદાની સામે નવેસરથી ફેરવિચારણા કરવાની અરજી અમુક દબાણકર્તાઓએ દાખલ કરતાં ગત તા.૪ એપ્રિલે આ બાબતતી હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ હતી.

દરમિયાન નવા પશ્ચિમ ઝોનના આસિસ્ટંટ કમિશનર વિશાલ ખનામાને આ અંગે પૂછતાં તેઓ કહે છે કે તાજેતરમાં હાઇકોર્ટે ફરીથી તંત્રની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેના કારણે આ દબાણ હટાવવાનો માર્ગ મોકળો બન્યો છે. તંત્રે ઓપરેશન ડિમોલિશનની કામગીરી હાથ ધરવા સરખેજ પોલીસ સ્ટેશન પાસે પોલીસ બંદોબસ્તની માગણી પણ કરી દીધી છે. પોલીસ બંદોબસ્ત મળતાંની સાથે ડિમોલિશન શરૂ કરાશે. સરખેજ ચોકડીથી શાંતિપુરા ચોકડી સુધીના દબાણને દૂર કર્યા બાદ ત્યાં વ્યવસ્થિત રીતે સર્વિસ રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટા પશ્ચિમ ઝોનમાં નાગરિકોને પરિવહન, ગટર, પાણી જેવી બહેતર સુવિધાઓ અપાવવા માટે ટીપી રસ્તાને એક અથવા બીજા પ્રકારના દબાણથી મુકત કરવાનાે પ્રશ્ન તંત્ર માટે પડકારરૂપ બન્યો છે. ઔડાની જૂની લિમિટથી બનેલા આ ઝોનની ડ્રાફટ ટીપી સ્કીમ હેઠળના કુલ ર૭૭ કિ.મી.ના ટીપી રસ્તા હજુ ખોલાયા નથી.

આ ઝોનમાં કુલ ૩૯ ટીપી સ્કીમ હોઇ તેમાં કુલ ૪પ૭ કિ.મી. લાંબા રસ્તા છે. જે પૈકી માત્ર ૧૮૦ કિ.મી. રસ્તા ખુલ્લા હોઇ આજની સ્થિતિએ કુલ ર૭૭ કિ.મી.ના રસ્તા ખોલવાના બાકી છે.

જ્યારે ર૯ અંતિમ ટીપી સ્કીમ અથવા તો પ્રારંભિક મંજૂરીવાળી ટીપી સ્કીમ હેઠળ કુલ ર૮૧ કિ.મી. લાંબા ટીપી રસ્તા છે. જેમાં ર૬૦ કિ.મી. લાંબા રસ્તાને તંત્રે દબાણ મુકત કર્યા છે, પરંતુ હજુ ર૧ કિ.મી લાંબા રસ્તા એક અથવા બીજા પ્રકારના દબાણથી ગ્રસ્ત છે. જાણકાર સૂત્રો વધુમાં કહે છે આ ઝોનની ૩૯ ડ્રાફટ ટીપી સ્કીમ પૈકી ર૪ મીટર અથવા તેથી વધુ પહોળાઇ ધરાવતા કુલ ૧૧૯ કિ.મી. લાંબા રસ્તા પૈકી ૭૦ કિ.મી. લાંબા રસ્તા ખુલ્લા અને ૪૯ કિ.મી. લાંબા રસ્તા ખોલવાના બાકી છે. જ્યારે ૧૮થી ર૪ કિ.મી. પહોળાઇના કુલ ૧૧૯ કિ.મી. રસ્તા પૈકી અડધો અડધથી વધુ એટલે કે ૬૬ કિ.મી. લાંબા રસ્તા ખોલાયા નથી. ખાસ તો ૧રથી ૧૮ મીટર પહોળાઇના રસ્તામાં સૌથી ગંભીર સ્થિતિ છે. આવા રસ્તા કુલ ૧૭૮ કિ.મી.હોઇ તે પૈકી ૧૩૪ કિ.મી. લાંબા રસ્તાને ખોલવાના બાકી છે. આ જ પ્રમાણે ૯થી ૧ર મીટર પહોળાઇના કુલ ૩૪ કિ.મી. રસ્તા પૈકી રર કિ.મી. રસ્તા દબાણગ્રસ્ત છે અને ૯ મીટરથી નાના કુલ ૮.૧૧ કિ.મી. રસ્તા પૈકી ફકત ૪૮૦ કિ.મી. રસ્તો જ ખોલી શકાયો છે.

You might also like