બિલ્ડર, વિદ્યાર્થિની અને મહિલા સહિત ત્રણનાં અકસ્માતમાં મોતઃ અાઠને ઈજા

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં એક બિલ્ડર, એક વિદ્યાર્થિની અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત થયાં હતાં જ્યારે અાઠને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એવી છે કે ભાવનગરના કાળિયાબીડ શાંતિનગર ખાતે રહેતા બિલ્ડર બાબુભાઈ માવજીભાઈ ગોરડિયા (ઉં.વ.૫૭) તેમની પત્ની સાથે કારમાં તેમની દીકરીને મળવા સુરત જઈ રહ્યા હતા ત્યારે ભાવનગર-અમદાવાદ રોડ પર સાટિડા ગામ નજીક સામેથી અાવી રહેલા ટેમ્પા સાથે કાર અથડાતાં થયેલા અકસ્માતમાં બાબુભાઈનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે તેમના પત્નીને ઈજાઓ પહોંચી હતી.

મહેસાણા-વીસનગર હાઈવે પર ધામડવા ગામ નજીકથી સ્કૂટર પરથી પસાર થઈ રહેલ અાઈટીઅાઈની વિદ્યાર્થિની મિત્તલ કાળુભાઈને ટ્રકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અા વિદ્યાર્થિનીનું મોત થયું હતું. અા વિદ્યાર્થિની પરીક્ષા અાપવા જઈ રહી હતી ત્યારે અા ઘટના બની હતી. અા ઉપરાંત ડીસા રોડ પર રસાણા ગામ નજીક કાર અને જીપ વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં જીપમાં બેઠેલ એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અાઠ પેસેન્જરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

You might also like