બંદૂકની અણીએ બિલ્ડરનું અપહરણ થતાં સનસનાટીઃ નાટ્યાત્મક છુટકારો

અમદાવાદ: બોટાદમાં ધોળા દિવસે બજારમાંથી બોલેરો કારમાં આવેલા ચાર શખસોએ બંદૂકની અણીએ એક બિલ્ડરનું અપહરણ કરતાં શહેરમાં સનસનાટી મચી ગઇ હતી. જોકે મોડી સાંજે અપહરણકારોએ અપહૃત બિલ્ડરને ગઢડા નજીક છોડી મૂકતાં પોલીસતંત્રએ રાહતનો દમ લીધો છે. બોટાદના કરીમનગર ખાતે રહેતા બિલ્ડર દિલાવર હમીદવાલા સવારે ૧૦ વાગ્યાના સુમારે પા‌િળયાદ રોડ પર આવેલ એક કોમ્પ્લેકસ પાસે ઊભા હતા ત્યારે બોલેરો કારમાં આવેલા કુલદીપ ખાચર અને અન્ય ચાર શખસો બંદૂક બતાવી દિલાવરનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં તાત્કા‌િલક પહોંચી જઇ ચોતરફ નાકાબંધી કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમ્યાનમાં મોડી સાંજે અપહરણકારો બિલ્ડરને ગઢડા નજીક છોડી મૂકી નાસી છૂટ્યા હતા.

કુલદીપ ખાચરે અગાઉ દિલાવર પાસે ખંડણી માગી અને આ બાબતે પોલીસ કેસ થયો હતો. આ કેસ પાછો ખેંચવાના મામલે આ અપહરણની ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. પોલીસે અપહરણકારોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like