બિલ્ડર પિતા-પુત્રએ શેરબ્રોકરની ઓફિસમાં તોડફોડ કરી માર માર્યો

અમદાવાદ: શહેરના શેલા નજીક રહેતી અને સીજીરોડ પર શેરબજારની ઓફિસ ધરાવતી એક વ્યક્તિને નરોડાના બિલ્ડર, તેના પુત્ર અને મિત્રએ ભેગા મળી માર માર્યો હતો. ત્રણેયે શેરબ્રોકરની ઓફિસમાં તોડફોડ કરી આઠ ફલેટનું પઝેશન કે પૈસા નહીં મળે અને પૈસા પરત માગીશ તો હાથ-પગ તોડી નાખીશ અને તારા ઘરના સભ્યોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે શેરબ્રોકરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ શેલા ગામ નજીક આવેલ સુરભીત વા‌િટકા ખાતે રહેતા અમિતભાઇ હ‌િરવદન પરીખ (ઉ.વ.પર) સીજીરોડ પર પરિસીમા કોમ્પ્લેક્સમાં શેરબજારની ઓફિસ ધરાવી શેરબજારનું કામકાજ કરે છે. વર્ષ ર૦૧રમાં દહેગામ-નરોડા રોડ પર વિઠ્ઠલ વેલોસિટી નામની સ્કીમમાં આઠ ફલેટ ખરીદ્યા હતા. તમામનું પેમેન્ટ ચેક દ્વારા ચૂકવી દીધા બાદ બિલ્ડર ધર્મેશ કાંતિભાઇ પટેલે એલોટમેન્ટ લેટર અને પૈસા ચૂકવ્યાની પહોંચ આપી હતી, પરંતુ પઝેશન આપ્યું ન હતું.

લાંબા સમયથી પઝેશન ન આપતાં અમિતભાઇઅે તપાસ કરતાં આ આઠેય ફલેટ ધર્મેશ પટેલે વેચી દીધા હતા. સોમવારે ધર્મેશ પટેલે અમિતભાઇને ફોન કરી તમામ આઠેય ફલેટ વેચી દીધા છે, તેનું સેટલમેન્ટ કરવું છે, તમારી ઓફિસ આવીએ છીએ કહ્યું હતું.

બપોરના સુમારે ધર્મેશ પટેલ, તેમનો પુત્ર વિનિત અને મિત્ર રાજુ તલસાણિયા ઓફિસે આવ્યા હતા અને ગાળો બોલી આઠેય ફ્લેટમાંથી એક પણ ફ્લેટનું પઝેશન કે પૈસા નહીં મળે અને પૈસા માગીશ તો હાથ-પગ તોડી નાખીશ અને તારા ઘરના સભ્યોને મારી નાખીશ એમ કહ્યું હતું. ગાળાગાળી ન કરવાનું કહેતાં વિનિત અને ધર્મેશે અમિતભાઇને માર માર્યો હતો. ફલેટના કાગળ શોધવા ઓફિસમાં વેરવિખેર કરી તોડફોડ પણ કરી હતી. ધર્મેશભાઇ છએક વ્યક્તિઓને લઇ ઓફિસ આવ્યા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like