બજેટ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ખોલશે

નવી દિલ્હી: સરકારના આગામી બજેટથી ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઊભી થશે. એસોચેમના જણાવ્યા પ્રમાણે મોદી સરકારે મહત્ત્વના એજન્ડામાં ગ્રામીણ વિસ્તારના વિકાસ ઉપર ફોકસ વધાર્યું છે.

આગામી બજેટ વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાની પ્રક્રિયા શરૂ કરશે. નોંધનીય છે કે વડા પ્રધાને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકારની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. આગામી બજેટમાં પણ આ પ્રતિબદ્ધતા જોવાઇ શકે છે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક ક્રૂડના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં આવ્યા બાદ આવકની અનિશ્ચિતતાના કારણે સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ સંભવતઃ ગ્રામીણ વિસ્તારોના વિકાસ પર ભાર મૂકશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરુણ જેટલીએ આગામી બજેટ કેવું હશે તે સંકેત પણ આપ્યા છે. તેઓ દેશના આર્થિક વિકાસની સામે ગ્રામીણ વિસ્તારોનો વિકાસ થાય તેના ઉપર જોર મૂકી રહ્યા છે અને તેના જ કારણે આગામી બજેટમાં ગ્રામીણ આવાસ, ગ્રામીણ રસ્તા થાય તે દિશામાં સરકાર પહેલ કરી શકે છે.

You might also like