બજેટ પૂર્વેની અટકળોની અસર શેરબજાર પર જોવાશે

શેરબજારમાં ચાલુ સપ્તાહ દરમિયાન બંને તરફની અફરાતફરી જોવા મળી હતી. ગઇ કાલે છેલ્લે નિફ્ટી ૭,૪૫૦ પોઇન્ટની ઉપર ૮૫ પોઇન્ટના સુધારે ૭,૪૮૯ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે, જે એક સારા સંકેત ગણાવી શકાય, પરંતુ ચાલુ મહિનાના અંતે સરકાર બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટ અંગે શેરબજારમાં હજુ પણ આશંકા પ્રવર્તી રહી છે. બજારમાં મોટો સુધારો જોવાવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

એટલે કે બજારમાં રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવાઇ શકે છે. નિફ્ટી નીચેમાં ૭,૪૦૫ મજબૂત સપોર્ટ ગણાવી શકાય, જ્યારે ઉપરમાં ૭,૫૭૫ મહત્ત્વનું અવરોધ લેવલ ગણાવાય.  વિદેશી સંસ્થાગત રોકાણકારો હજુ પણ શેરબજારમાં ઘટાડે ખરીદી કરવાથી અળગા રહ્યા છે તો બીજી બાજુ આગામી સપ્તાહે સકારાત્મક બાબત એ છે કે ચીનના નવા વર્ષની ઉજવણીના કારણે ત્યાંનું બજાર બંધ છે તેથી ચીનના બજારની અફરાતફરીની અસર એશિયા સહિત વિદેશી બજારો પર ઓછી જોવાશે.

ત્રીજા ત્રિમાસિક સમયગાળાની મોટા ભાગની અગ્રણી કંપનીનાં પરિણામો અપેક્ષા કરતાં નબળાં આવ્યાં છે તેથી શેરબજાર ઓલરેડી પ્રેશરમાં છે. એ જ પ્રમાણે ક્રૂડ અને ડોલર સામે રૂપિયાની વધઘટની અસર શેરબજાર પર જોવાઇ શકે છે.

You might also like