બજેટ સ્માર્ટફોનનું ધમધમતું બજાર

ડિજિટલ ક્રાંતિને કારણે દુનિયા સ્માર્ટ બની રહી છે અને સ્માર્ટ ડિવાઈસની માગ વૈશ્વિક બની રહી છે. સ્માર્ટફોનના વેચાણમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. એક અહેવાલ મુજબ ભારતનું સ્માર્ટફોન બજાર હાલ વિશ્વનું સૌથી ઝડપથી પ્રગતિ કરતું બજાર બન્યું છે. ૨૦૧૭ના અંત સુધીમાં વિશ્વના સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટમાં ભારત બીજા નંબરનું સ્થાન મેળવી લેશે. હાલ પહેલા સ્થાને ચીન અને બીજા સ્થાને યુએસએ છે.

ભારતમાં સ્માર્ટફોન બજારનો વ્યાપ નાની કંપનીઓ જેવી કે, માઈક્રોમેક્સ, લાવા, ઈન્ટેક્સ જેવી સ્થાનિક બ્રાન્ડ્સના વ્યાપક પ્રચારના કારણે ખૂબ વધ્યો છે. મોટાભાગના મધ્યમવર્ગીય ભારતીય ગ્રાહકો આવી સ્થાનિક અને સસ્તી બ્રાન્ડને પ્રાધાન્ય આપી રહ્યા છે, કારણ કે અન્ય પરંપરાગત વિદેશી બ્રાન્ડ્સ જેવાં જ ફિચર્સ તેમને સસ્તા ભાવે મળી રહ્યા છે. ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને ડેટા પ્લાન્સના ઘેરાવાના કારણે નાનાં શહેરોમાં પણ હવે સ્માર્ટફોનની જ બોલબાલા છે. નાનાં શહેરો અને ગામડાંના લોકો હવે મોટાભાગે સામાન્ય ફિચર્સ ધરાવતા ફોનને બદલે સસ્તો સ્માર્ટફોન લેવાનું જ પસંદ કરે છે. સ્ટાન્ડર્ડ કંપનીઓના મોંઘા સ્માર્ટફોન મધ્યમવર્ગીય ગ્રાહકને પોસાતા ન હોવાથી બજેટ સ્માર્ટફોનનું ચલણ વધ્યું છે.

સ્માર્ટફોન માર્કેટ વિસ્તરી રહ્યું છે
સ્માર્ટફોનમાં હમણાં સુધી કેટલીક સામાન્ય ચાઈનીઝ કંપનીઓના ફોન જ ભારતમાં અસ્તિત્વ ધરાવતા હતા, પરંતુ વિશ્વસનીયતાના અભાવે આવી બ્રાન્ડ્સ પર ખૂબ ઓછા લોકો ભરોસો મૂકતા હતા. પરિણામે બજાર પર આવા સ્માર્ટફોનનો પ્રભાવ ઓછો અથવા નહીંવત્ હતો, પરંતુ છેલ્લાં ત્રણેક વર્ષથી કેટલીક ભારતીય કંપનીઓ ઉપરાંત ચાઈનીઝ કંપનીઓના ભારત આગમનને લીધે પ્રમાણમાં સસ્તા અને ફિચર્સની દૃષ્ટિએ આકર્ષક સ્માર્ટફોનની વિશાળ શ્રેણી હવે ઉપલબ્ધ બની છે. આવા સ્માર્ટફોનને સસ્તા કહેવાને બદલે ‘બજેટ સ્માર્ટફોન’ તરીકે ઓળખ આપવામાં આવી રહી છે.

ભારતની જ માઈક્રોમેક્સ, લાવા, ઈન્ટેક્સ, કાર્બન જેવી કેટલીક કંપનીઓ બજેટ સ્માર્ટફોનમાં પોતાનો વ્યાપ વધારી રહી છે તો ચાઈનીઝ કંપનીઓનું ભારતમાં ધામા નાખવાનું મુખ્ય કારણ એ છે કે ચીનનું સ્માર્ટફોન બજાર હવે ઉભરાઈ ગયું છે. ચીનમાં લગભગ ૯૫ ટકા લોકો સ્માર્ટફોન ધરાવે છે, જ્યારે ભારતમાં હાલ ત્રીસેક ટકા લોકો જ સ્માર્ટફોન ધરાવે છે. સવા અબજની વસતીનો ૭૦ ટકા ભાગ જ્યારે સ્માર્ટફોન ન ધરાવતો હોય ત્યારે તેવા બજારને સર કરવાનો મોકો વિદેશી કંપનીઓ સારી રીતે જાણી ગઈ છે.

ચાઈનીઝ કંપનીઓનું આક્રમણ
ચાઈનીઝ કંપની શ્યાઉમીએ સ્માર્ટફોન બજારમાં એકાદ વર્ષથી ભારતીય બજારમાં ભારે તરખાટ મચાવ્યો છે. શરૂઆતમાં ભારતમાં આ કંપનીને થોડી અડચણો ભોગવવી પડી હતી, પરંતુ હાલ તે ગ્રાહક વર્ગ પર ધીમેધીમે પકડ જમાવી રહી છે. સ્થાપનાકાળની શરૃઆતથી જ શ્યાઉમી કંપની ચીનની સૌથી વધુ પ્રખ્યાત બ્રાન્ડ બની છે. જે રીતે માઈક્રોમેક્સ, કાર્બન અને લાવા જેવી નાની કંપનીઓએ સેમસંગ અને નોકિયા જેવી જાયન્ટ કંપનીઓનું બજાર તોડ્યું, તે રીતે શ્યાઉમી હાલ સારાં ફિચર્સ અને વાજબી ભાવ સાથેના સ્માર્ટફોનથી નાની કંપનીઓનું બજાર પણ તોડી રહી છે.

અન્ય ચાઈનીઝ કંપની જિઓની પણ ત્રણેક વર્ષથી ભારતીય સ્માર્ટફોન બજારમાં પ્રવેશી છે. વિશ્વનો સૌથી પાતળો ફોન જિઓની એસ-૫.૫ દ્વારા તેણે વૈશ્વિક બજારનું પણ ધ્યાન ખેંચ્યું હતુંં. આ ફોનનો સીધો ટાર્ગેટ સેમસંગનો એસ-૫ ફોન હતો. સેમસંગ સહિતની વિવિધ કંપનીઓના ફોન જેવા સારાં ફિચર્સ વાજબી ભાવે આપવા આ કંપની જાણીતી છે. હાલ જિઓનીનો મેરેથોન એમ-૫ લાઈટ સ્માર્ટફોન ચર્ચામાં છે. ધરખમ કેપેસિટીની બેટરી ધરાવતો આ બજેટ સ્માર્ટફોન ભારતીય ગ્રાહકોને આકર્ષી રહ્યો છે.

કમ્પ્યૂટર ક્ષેત્રની ચાઈનીઝ કંપની આસુસે પણ સ્માર્ટફોનના ઉત્પાદન ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે. તેની ઝેનફોન નામની સ્માર્ટફોન શ્રેણી ભારતમાં જાણીતી બની છે. સક્ષમ હાર્ડવેર, યુઝર ઈન્ટરફેસ અને ઓછી કિંમતના કારણે આ સ્માર્ટફોન જલદી લોકપ્રિય બન્યા છે. આસુસનો ઝેનફોમ મેક્સ હાલ સ્માર્ટફોન બજારમાં ચર્ચામાં છે. આ ફોનનું સૌથી મજબૂત પાસું તેની ૫૦૦૦ એમએએચની બેટરી છે. આ ફોન અન્ય ફોન માટે પાવર બેંક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

ગત વર્ષે ભારતમાં પ્રવેશતાની સાથે જ સફળતા મેળવનાર કંપની વનપ્લસના સ્માર્ટફોન પણ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. તેનો સૌપ્રથમ સ્માર્ટફોન વનપ્લસ-૧ ખૂબ લોકપ્રિય બન્યો હતો. હાલ આ કંપનીનો વન પ્લસ મેક્સ વેચાણમાં સૌથી આગળ છે. ૩જીબી રેમ અને ૧૬ જીબી ઈન્ટરનલ મેમરી સાથેના આ ૪જી ફોન ૧૬,૯૦૦ની કિંમતે મળી રહ્યો છે.

અન્ય એક ચીની કંપની વિવો પણ હવે ભારતમાં પ્રવેશી છે. જોકે ભારતમાં થોડા મોડા આગમનને કારણે તેને વેચાણમાં મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી ટુર્નામેન્ટના સ્પોન્સર બનીને આ કંપનીએ વિવિધ રીતે તેના સ્માર્ટફોનનો પ્રચાર કર્યો છે. તેના વિવો-૩ અને વિવો મેક્સ-૩ હાલ સ્માર્ટફોન બજારમાં જાણીતા બન્યા છે.

ભારતમાં વર્ષ ૨૦૧૪માં પ્રવેશેલી ઓપ્પો કંપની પણ ચીનની છે. આ કંપનીનો ઓપ્પો એન-૨, ઓપ્પો આર-૧ અને ઓપ્પો-જોય આ કંપનીના જાણીતા સ્માર્ટફોન રહ્યા છે. ફિચર્સ સારાં હોવા છતાં આ સ્માર્ટફોન્સની કિંમત અન્ય નવી કંપનીઓની સરખામણીમાં વધુ હોઈ જોઈએ તેટલો ગ્રાહકવર્ગ હજુ સુધી મળ્યો નથી.

યુઝર ઈન્ટરફેસ શું છે ?
અત્યાર સુધી સેમસંગ, સોની કે પછી એચટીસી જેવી કંપનીઓના ફોન નેટિવ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર આવતા હતા. એટલે કે ગૂગલ દ્વારા આપવામાં આવતી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ જે સ્વરૃપમાં મળે છે તે જ સ્વરૃપમાં તેને સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરી ગ્રાહકોને ફોન વેચવામાં આવતા હતા. આવા તમામ ફોનના ઉપયોગમાં બાહ્ય દેખાવને બાદ કરતાં સ્ક્રીનનો દેખાવ તેમજ અન્ય સુવિધાઓ એકસરખી જ લાગતી. જ્યારે નવી પ્રવેશેલી કંપનીઓ તેમના બજેટ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો જ ઉપયોગ કરે છે, પરંતુ આ ઓપરેટિંગ સિસ્ટમ પર તેઓ કેટલાક પ્રયોગો કરી વધારાનાં ફિચર્સ ઉમેરે છે જેથી તેનો દેખાવ બદલાય અને ગ્રાહકને વધુ સરળતા રહે. શ્યાઉમી, લિનોવો, આસુસ, જિઓની વગેરે કંપનીઓ સફળ જવાનું એક કારણ યુઝર ઈન્ટરફેસ સુવિધા પણ છે.

સ્માર્ટફોન્સના ભારતીય બજાર પર વધી રહેલા વર્ચસ્વના કારણે હવે અન્ય જાણીતી કંપનીઓએ પણ ઓછી કિંમતે વધુ ફિચર્સ આપવાની શરૃઆત કરી છે. જેમાં સેમસંગ અને અને મોટોરોલા (જેની માલિકી હવે ગૂગલ પાસે છે) સફળ રહ્યા છે. જોકે બ્રાન્ડ વેલ્યૂને હટાવી દેવામાં આવે તો હજુય નાની કંપનીઓના ‘બજેટ સ્માર્ટફોન’ હાર્ડવેર ને કિંમતની દૃષ્ટિએ મેદાન મારી જાય છે. મોટાભાગના ગ્રાહકો ડિઝિટલાઈઝેશન તરફ આકર્ષાઈ રહ્યા હોવાથી સ્માર્ટફોનનું વેચાણ વધશે તે નક્કી છે. આથી જ બ્રાન્ડમાં નાની પરંતુ બજેટ સ્માર્ટફોન બનાવતી કંપનીઓના સ્માર્ટફોનથી બજાર ધમધમી રહ્યું છે.

રેડમી નોટ-૩એ નવો ટ્રેન્ડ શરૂ કર્યો!
ચાઈનીઝ કંપની શ્યાઉમી હાલમાં જ વધુ એક ફ્લેગશિપ પ્રોડક્ટ સાથે ભારતીય બજારમાં ઊતરી છે. આ કંપનીએ રજૂ કરેલા રેડમી નોટ-૩ નામનો ફેબ્લેટ (ફોન+ટેબ્લેટ) સ્માર્ટફોન ભરપૂર ફિચર્સ છતાં ૧૦,૦૦૦ની વાજબી કિંમતે મળી રહ્યો છે. તેમાં ૪જી સાથેની ડ્યુઅલ સિમ સુવિધા, ક્વાલકોમનું સ્નેપડ્રેગન પ્રોસેસર, એન્ડ્રોઈડ-લોલીપોપ, ૨ જીબી રેમ, ૧૬ જીબી ઈન્ટરનલ મેમરી, ૧૩ અને પ મેગાપિક્સલ કેમેરા, ૪૦૦૦ એમએએચની બેટરી, ફિંગરપ્રિન્ટ સેન્સર, ૫.૫ ઈંચની ડિસપ્લે સહિતનાં વિવિધ ફિચર્સ છે. ૩ જીબી રેમ અને ૩૨ જીબીની ઈન્ટરનલ મેમરીની સુવિધાવાળા આ જ ફોનની કિંમત માત્ર ૧ર૦૦૦ રૂપિયા રખાઈ છે. આ ફોનનો સેલ વેબસાઈટ પર યોજવામાં આવે છે અને છેલ્લા બે માસમાં છ લાખ નંગનું વેચાણ થયું છે. આ ફોનની હરીફાઈમાં આવવા તેના જેવાં ફીચર્સ સાથે કૂલપેડ તેમજ લિનોવો જેવી કંપનીએ પણ તેમના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.

ચિંતન રાવલ

You might also like