સંસદના બજેટસત્રનો પ્રારંભઃ જેએનયુ જેવા મુદ્દાઓ પર તોફાની બની રહેશે

નવી દિલ્હી: આજે વિરોધપક્ષોએ મોદી સરકારને જેએનયુ વિવાદ, રોહિત વેમુલાની આત્મહત્યા, જાટ અનામત આંદોલન સહિતના અનેક મુદ્દાએ બજેટસત્રમાં મોદી સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. આજના સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર પર અભિવ્યક્તિ અને મતભેદોની સ્વતંત્રતા પર પૂર્વયોજિત હુમલો કરવાનો આક્ષેપ કર્યો છે.

બજેટસત્રના એક િદવસ પૂર્વે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષોનું વલણ આક્રમક રહ્યું હતું. જોકે સરકાર તમામ મુ્દ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકારે જણાવ્યું છે કે જેએનયુ, જાટ અનામત, રોહિત વેમુલાની આત્મહત્યા અને અરુણાચલ પ્રદેશ જેવા મુદ્દાઓ પર સરકાર ચર્ચા કરવા તૈયાર છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ ઈશરત જહાં અને જેએનયુ વિવાદ પર સંસદમાં ચર્ચાની માગણી કરતી લોકસભામાં નોટિસ આપી હતી. મીનાક્ષી લેખીએ નોટિસમાં જણાવ્યું છે કે આ બંને મુદ્દે ચર્ચા થવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શિકાગો કોર્ટથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપવામાં આવેલી જુબાનીમાં ડેવિડ હેડલીએ ખુલાસો કર્યો હતો કે ઈશરત જ્હાં લશ્કર-એ-તોઈબાની આત્મઘાતી આતંકી છે, જેને જદયુ સહિત તમામ પક્ષોએ ભારતની બેટી ગણાવી હતી અને તેના માટે ન્યાયની માગણી કરી હતી. બીજી બાજુ સરકારે વિપક્ષી નેતાઓને ખાતરી આપી છે કે તેમને ચિંતાજનક કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરવામાં મુશ્કેલી નહીં પડે. આ બજેટ સત્રની શરૂઆત આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના ભાષણથી થશે. બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો ૨૩ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ સુધી અને બીજો તબક્કો ૨૫ એપ્રિલથી ૧૩ મે સુધી ચાલશે.

૨૫ ફેબ્રુઆરીના રોજ રેલવે બજેટ ૨૬ ફેબ્રુઆરીના રોજ આર્થિક સમર્થન અને ૨૯ ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરાશે. બજેટ સેશનમાં જીએસટી બિલ, વ્હિસલ બ્લોઅર્સ પ્રોટેકશન બિલ (સુધારા) અને ઈન્ડસ્ટ્રીઝ (ડેવલપમેન્ટ અેન્ડ રેગ્યુલેશન) સુધારા બિલ રજૂ કરવાનો પ્રયાસ થશે. આ ઉપરાંત કન્ઝ્યુમર પ્રોટેકશન બિલ, બેનામી ટ્રાન્ઝેકશન (સુધારા) બિલ, જમીન અધિગ્રહણ બિલ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન (સુધારા) જેવા મહત્ત્વના બિલો સંસદમાં અટકાવાયેલા છે.

એવા નિર્દેશો મળી રહ્યા છે કે શિયાળુ સત્રની તુલનાએ સંસદમાં ઘણું કામ રહેશે, પરંતુ જીએસટી અને રિયલ એસ્ટેટ જેવા વિધેયકો પાસ કરાવવાનું સરળ રહેશે નહીં. જોકે સરકાર મહત્ત્વના વિધેયકો પાસ કરાવવાની સંપૂર્ણ કોશિષ કરશે, પરંતુ રાજ્ય સભામાં બહુમતીના અભાવે કેન્દ્રને મહત્ત્વના વિધેયકો પાસ કરાવવામાં કેટલી સફળતા મળશે તે હવે જોવાનું છે. વિરોધપક્ષના નેતાઓ સાથે બેઠક બાદ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને આશા વ્યક્ત કરી હતી કે સંસદની કાર્યવાહી આ વખતે સારી રીતે ચાલશે અને મંગળવારે કાર્ય મંત્રણા સમિતિની બેઠકમાં જેના પર ચર્ચા થનાર છે તેવા વિષયો પર નિર્ણય લેવામાં આવશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે પ્રથમ ટકરાવ ૨૪ ફેબ્રુઆરીના રોજ રાજ્યસભામાં જોવા મળી શકે છે અને ખાસ કરીને જ્યારે જેએનયુ વિવાદનો મુદ્દો ચર્ચા પર આવશે ત્યારે સંસદનું સત્ર તોફાની બની શકે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

You might also like