સોમવારે કેન્દ્રીય બજેટઃ રાહતો ઓછી, આકરા નિર્ણયો વધુ હશે

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સોમવારે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેનું કેન્દ્રીય સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ પૂર્વે રજૂ કરાયેલ આર્થિક સર્વે પરથી એવો સંકેત મળે છે કે આ વખતનું બજેટ લોકપ્રિય નહીં હોય. અલબત્ત સામાન્ય લોકોને કેટલીક રાહતો મળશે, પરંતુ સરકારનું ફોકસ અર્થતંત્રને મજબૂત કરવા અને મૂડી રોકાણ વધારવા પર હશે. સાથે જ કૃષિ ક્ષેત્રને પણ બજેટમાં વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. એવા નિર્દેશો મળી રહ્યા છે.

ઈન્કમટેક્સમાં ઓછી રાહત
આર્થિક સર્વે પરથી એવો નિર્દેશ મળે છે કે સરકાર ટેક્સ વસૂલાત પર વધુ ભાર મૂકશે. આ સ્થિતિમાં ઈન્કમટેક્સમાં કોઈ મોટી રાહત મળવાની સંભાવના જણાતી નથી કે તેનો વ્યાપ વધારવામાં આવશે નહીં. આમ સરકાર આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવાના મૂડમાં નથી. અલબત્ત સરકાર પર આ માટે ઘણું દબાણ છે અને આ સંજોગોમાં સરકાર ઈન્કમટેક્સમાં રાહત આપશે તો પણ તે મર્યાદિત હશે.

ટેક્સ વસૂલાત પર ભાર
બજેટમાં સરકાર એક્સાઈઝ કે સર્વિસ ટેક્સના દરમાં વધારો કરી શકે છે અથવા તો ટેક્સ વસૂલાત વધારવા માટે નવા ટેક્સ, સેસ અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના ટેક્સ લગાવી શકે છે.

સબસિડીમાં કાપ
સર્વે પરથી બજેટને લઈને જે સંકેત મળે છે તેમાં સબસિડી અંગે કોઈ જાહેરાત થઈ શકે છે. સર્વેમાં જણાવાયું છે કે પેટ્રોલિયમ, એનર્જી, એગ્રિકલ્ચર એવા કેટલાક સેક્ટર છે જ્યાં સબસિડીનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ સંદર્ભમાં સરકાર સબસિડીમાં કાપને લઈને કેટલાક મોટા નિર્ણયોની જાહેરાત કરી શકે છે. ખાસ કરીને એલપીજી પર અપાતી સબસિડી અમુક ચોક્કસ રકમ કરતા વધુ આવક ધરાવતા લોકો માટે બંધ કરી દેવામાં આવશે અથવા તો સબસિડીવાળા લિન્ડરમાં કાપ મુકવામાં આવશે.

બચત અને મૂડીરોકાણમાં સુધારા
સર્વેમાં ઘટતા બચત દર અને ઓછા થતા લોકોનાં રોકાણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સરકારને એવું કહેવામાં આવ્યું છે કે તેમણે લોકોનું મૂડી રોકાણ વધે તેવી સ્કીમો લાવી જોઈએ કે જેથી બચત અને રોકાણમાં સામાન્ય લોકોનું યોગદાન વધે. આ અંગે કેટલાક જાહેરાત થઈ શકે છે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો
સરકાર બજેટમાં કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરી શકે છે. તેનાથી ટેક્સ વસુલાતમાં વધારો થશે. આનો એ અર્થ એ છે કે ટેક્સના દર ઊંચા હોવાથી ટેક્સ ચોરી વધી રહી છે. જો ટેક્સના દર ઘટાડવામાં આવશે તો ટેક્સ ચોરીને થોડા ઘણા અંશે બ્રેક લાગશે. આમ પણ કોર્પોરેટ ઈન્ડિયાની લાંબા સમયથી ટેક્સ ઘટાડવાની માગણી છે. આમ બજેટમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની પ્રક્રિયા પણ ઝડપી બની શકે છે.

રોજગાર વધારવા પર લક્ષ્ય
બજેટમાં સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગાર વધારવાના ઉપાયોની જાહેરાત થઈ શકે છે, ઈન્ડસ્ટ્રિઝની જરૂરિયાત મુજબ સ્કિલ ડેવલપમેન્ટ પર લક્ષ્ય આપવા આવશે. ગ્રામિણ વિસ્તારો પર પ્રથમવાર લેબર બજેટની જાહેરાત થઈ શકે છે. મનરેગોમાં પણ કેટલાક ફેરફારો થઈ શકે છે.

You might also like