બજેટમાં પાંચ ચૂંટણી રાજ્ય માટે નવી યોજના સરકાર જાહેર ન કરેઃ ચૂંટણીપંચ

નવી દિલ્હી: ચૂંટણીપંચે કેન્દ્ર સરકારને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પૂર્વે ૧ ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવાની શરતી મંજૂરી આપી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય બજેટ મોકૂફ રાખવાની અરજી ફગાવી દીધી હતી અને પછી ચૂંટણીપંચે પણ તેની મંજૂરી આપી હતી, જોકે ચૂંટણીપંચે બજેટને લઇને કેટલીક શરતો મૂકી છે.

ચૂંટણીપંચે સોમવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સહિત જે પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂ્ંટણી યોજાનાર છે તે રાજ્યને લગતી કોઇ મોટી યોજના કે રાહતોની જાહેરાત કરવી નહીં. નાણાપ્રધાને આ રાજ્યમાં હાંસલ કરેલી સિદ્ધિઓનો પણ બજેટના ભાષણમાં ઉલ્લેખ કરવો નહીં.

ચૂંટણીપંચે કેબિનેટ સેક્રેટરી પી.કે. સિંહાને સૂચના આપી છે કે સ્વતંત્ર અને તટસ્થ ચૂંટણી માટે આવું કરવામાં આવે કે જેથી મતદારો પ્રભાવિત ન થાય. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મ‌િણપુરમાં ૪ ફેબ્રુઆરીથી ૮ માર્ચ વચ્ચે અલગ અલગ તબક્કામાં ચૂંટણી યોજાનાર છે અને તેના પરિણામો ૧૧ માર્ચના રોજ આવનાર છે.

ચૂંટણીપંચે આ પાંચ રાજ્યની ચૂંટણીને લઇને આચારસંહિતા પણ જારી કરી દીધી છે અને તેથી વિરોધ પક્ષ એવી માગણી કરી રહ્યા હતા કે ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટ ચૂંટણી બાદ રજૂ કરવામાં આવે. વિરોધ પક્ષનો એવો આક્ષેપ હતો કે કેન્દ્રની ભાજપ સરકાર કેન્દ્રીય બજેટનો ઉપયોગ પોતાના ચૂંટણી ફાયદા માટે કરી શકે છે. જોકે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય બજેટને મોકૂફ રાખવાની અરજી ફગાવી દીધી હતી અને ત્યાર બાદ ચૂંટણીપંચે બજેટ રજૂ કરવા માટે કેન્દ્રને ઉપર મુજબની શરતો સાથે મંજૂરી આપી હતી.

૩૦ જાન્યુ.એ સ્પીકર અને સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી
સંસદના બજેટસત્ર પૂર્વે ૩૦ જાન્યુઆરીના રોજ સરકાર અને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને સત્રનું કામકાજ વધુ સારી રીતે ચાલે તે માટે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે સરકાર વતી સવારે બેઠકનું આયોજન કર્યું છે. જ્યારે સ્પીકરે સાંજે બેઠક બોલાવી છે.
http://sambhaavnews.com/

You might also like