સામાન્ય બજેટ તથા ફેબ્રુઆરી એક્સપાયરી પૂર્વે શેરબજારમાં બંને તરફની વધ-ઘટ રહેશે

ગઇ કાલે છેલ્લે શેરબજાર સાધારણ સુધારે બંધ થયું હતું. નિફ્ટી ૧૯ પોઇન્ટના સુધારે ૭,૨૦૦ની ઉપર ૭,૨૧૦ની સપાટીએ બંધ થયો છે, જે રાહતનાે સંકેત ગણાવી શકાય, પરંતુ આગામી ૨૯મીએ સામાન્ય બજેટ છે, એટલું જ નહીં આગામી સપ્તાહે ફેબ્રુઆરી એક્સપાયરી છે. તે પૂર્વે શેરબજારમાં બંને તરફની વધ-ઘટ વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે સેશનમાં સેન્સેક્સમાં ૪૫૭ પોઇન્ટનો સુધારો આવ્યો હતો, જ્યારે સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૭૨૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જે ઓક્ટોબર બાદનો સૌથી મોટો સાપ્તાહિક સુધારો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારની નજર આગામી બજેટ ઉપર મંડાયેલી છે. તે પહેલાં મોટી વધ-ઘટ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. દરમિયાન વિદેશી રોકાણકાર પણ વેઇટ એન્ડ વોચના મૂડમાં છે. વૈશ્વિક બજારમાં ક્રૂડની વધ-ઘટ તથા સ્થાનિક મોરચે રૂપિયાનું અપ-ડાઉન શેરબજાર માટે મહત્ત્વનું સાબિત થઇ શકે છે.

You might also like