બજેટમાં આરોગ્ય માટેની યોજનાઓની જ ‘હેલ્થ’ બગડી

નવી દિલ્હી, સોમવાર
નાણાં મંત્રાલયે જ્યારે ૧ ફેબ્રુઆરીના રોજ ૨૦૧૮-૧૯ માટે બજેટ રજૂ કર્યું તો એવું લાગ્યું કે અરુણ જેટલીએ આ વખતે સ્વાસ્થ્ય યોજનાઓ પર ખૂબ જ ધ્યાન આપ્યું છે, પરંતુ ધ્યાનથી જોઇએ તો તસવીર કંઇક ઊલટી જોવા મળે છે. વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે ચાલુ નાણાકીય વર્ષના રિવાઇઝ્ડ એસ્ટિમેન્ટની સરખામણીમાં આ વર્ષના બજેટમાં બહુ ઓછો નફો થયો છે. એટલું જ નહીં ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો માટે ફાળવાતી રકમમાં કાપ પણ મુકાયો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન માટે અપાતી રકમને ૩૧,૨૯૨ કરોડ રૂપિયાથી ઘટાડીને ૩૦,૬૩૪ કરોડ રૂપિયા કરી દેવાઇ છે.

બજેટ ભાષણમાં ૧.૫ લાખ સ્વાસ્થ્ય અને કલ્યાણ સેન્ટરોના અપગ્રેડિંગ માટે નવો કાર્યક્રમ ચલાવવાની વાત કહેવાઇ હતી. તેને ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થાના આધાર પર જોવામાં આવે છે. આ કાર્યક્રમ માટે ૧૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. બજેટના વિસ્તૃત અભ્યાસ બાદ એ વાત સામે આવી છે કે આ રકમ પણ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં ખાતાંમાંથી જ આવી રહી છે.

જો આ રકમને બહાર કાઢી લેવામાં આવે તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનું બજેટ હાલના વર્ષથી લગભગ છ ટકા જેટલું ઘટાડી દેવાયું છે. તેનો અર્થ એ છે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ચાલી રહેલા કેટલાક કાર્યક્રમોને ઓછું ફંડ અપાશે. ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સમાં હેલ્થ સિસ્ટમ સ્ટડીના ડીન ડો. ટી.સુંદર રમણે કહ્યું કે ૧.૫ લાખ એવાં સેન્ટર્સ માટે ૧૨૦૦ કરોડ રૂપિયાની રકમ ઘણી ઓછી છે.

સરકારી આકલનો મુજબ એક સ્વાસ્થ્ય અને કલ્યાણ સેન્ટર ચલાવવામાં લગભગ ૧૭ લાખ રૂપિયા ખર્ચ આવે છે અને ૧૨૦૦ કરોડ રૂપિયાથી માત્ર ૧૦ હજાર સેન્ટર જ ચાલી શકશે.

તેમણે એમ પણ જણાવ્યું કે નાણાં પ્રધાન અરુણ જેટલીએ વર્ષ ૨૦૧૬-૧૭ના બજેટમાં દરેક જિલ્લા હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા શરૂ કરવાની વાત માત્ર આશ્વાસન સમાન છે. લગભગ ૨૦૦૦ નવા ડાયાલિસિસ સેન્ટર શરૂ થવાના હતા, પરંતુ આ માટે બજેટમાં અલગથી કોઇ જોગવાઇ નથી.

એક બાજુ નાણાં પ્રધાને ૨૪ નવી સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખોલવાની વાત કહી. આ માટે ચાલુ વર્ષમાં બજેટ ૩૩૦૦ કરોડ ઘટાડીને ૨૦૧૮-૧૯ માટે ૨૮૮૮ કરોડ કરી દેવાયું છે. સ્પષ્ટ છે કે તેમાં ૧૨.૫ ટકાનો ઘટાડો થયો છે. વડા પ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે હેઠળ એમ્સ જેવી સંસ્થાનું નિર્માણ અને હાલની મેડિકલ કોલેજોને અપગ્રેડ કરવામાં આવે છે તેનું બજેટ પણ ચાર ટકા ઘટાડી દેવાયું છે.

You might also like