મોદી સરકાર બજેટ 2018માં મધ્યમવર્ગને રાહત આપશે, ટેક્સ સ્લેબમાં થશે ફેરફાર

અમદાવાદ, બુધવાર
કેન્દ્ર સરકાર આગામી બજેટમાં મધ્યમ વર્ગોને મોટી રાહતો આપવાના ભાગરૂપે આવકવેરા મુક્તિ મર્યાદા વધારવી, ટેક્સ દરમાં કાપ, ટેક્સ સ્લેબમાં ફેરફાર અને સ્ટાન્ડર્ડ ડિડકશન ફરીથી શરૂ કરવા દેવાં પગલાંઓ લેશે. ઈન્કમટેક્સ લિમિટની મર્યાદા રૂ. અઢી લાખથી વધારીને ત્રણ લાખની થઈ શકે છે. ૨૦૧૪-૧૫ના બજેટમાં ઈન્કમટેક્સની મર્યાદા બે લાખથી વધારીને રૂ. ૨.૫૦ લાખ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલય આ પ્રપોઝલ પર વિચારણા કરી રહ્યું છે. નાણાં પ્રધાન અરુણ જેટલી ૨૦૧૮-૧૯નું બજેટ ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પૂર્વે એનડીએ સરકારનું આ આખરી પૂર્ણ બજેટ હશે. બિઝનેસ ચેમ્બર્સ દ્વારા નાણાં મંત્રાલય સાથેની બજેટ પૂર્વેની ચર્ચામાં ઈન્કમટેક્સનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સીઆઈઆઈએ જણાવ્યું હતું કે મોંઘવારીને જોતાં ઈન્કમટેક્સમાં રાહત અને સ્લેબ વધારવાં જોઈએ.

ચેમ્બર્સ મહત્તમ ટેક્સ રેટ ૨૫ ટકા કરવાની તરફેણમાં છે. જોકે સરકારની ખાધ વધવાથી આ નિર્ણય શક્ય જણાતો નથી. ફિક્કીની ભલામણ છે કે ૩૦ ટકા ટેક્સ ૨૦ લાખથી વધુ આવક પર જ લાગવો જોઈએ. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડકશન ફરીથી શરૂ કરવામાં આવી શકે છે અને એક લાખ રૂપિયા સુધીનું ડિડકશન મળી શકે છે. રૂ. પાંચ લાખથી રૂ. ૧૦ લાખ સુધીની આવકને ૧૦ ટકા ટેક્સના દાયરામાં લાવી શકે છે.

You might also like