બજેટમાં સર્વિસ ટેક્સ ૦.૫થી એક ટકો વધશે

નવી દિલ્હી: સામાન્ય બજેટ રજૂ થવાના આડે હવે જ્યારે ત્રણેક દિવસ બાકી છે ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સામાન્ય બજેટમાં સર્વિસ ટેક્સનો દાયરો વધારી શકે છે. ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવનારા આ બજેટમાં રેસ્ટોરાંમાં ભોજન, ફિલ્મો જોવાનું, એર ટ્રાવેલ અને મોબાઇલ બિલ મોંઘાં થશે.

અહેવાલો અનુસાર નાણાં મંત્રાલય સાથે સંકળાયેલા બે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સર્વિસ ટેક્સમાં ૦.૫ ટકાથી એક ટકાનો વધારો થઇ શકે છે. હાલ બે પ્રકારના સેસ (ઉપકર) સાથે ૧૫ ટકા સર્વિસ ટેક્સ વસૂલવામાં આવે છે. અહેવાલો અનુસાર સરકાર સર્વિસ ટેક્સ વધારી શકે છે જેથી જીએસટીના અમલમાં કોઇ અવરોધ ઊભો ન થાય. અત્રે ઉલ્લેખનીય છે કે ૧ જુલાઇથી જીએસટીનો અમલ કરવામાં આવનાર છે.

૦.૫ ટકાના સ્વચ્છ ભારત સેસ અને ૦.૫ ટકાના કૃષિ કલ્યાણ સેસના કારણે સર્વિસ ટેક્સ વધીને અત્યારે ૧૫ ટકાને આંબી ગયો છે અને હવે તેમાં હજુ પણ ૦.૫થી એક ટકાનો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ કરવા કૃતનિશ્ચયી હોવાથી નાણાપ્રધાન અરુણ જેટલી સર્વિસ ટેક્સનું માળખું સુવ્યવસ્થિત કરવા માગે છે અને તેના પગલે સર્વિસટેક્સમાં વધારો હવે સુનિશ્ચિત જણાય છે. બજેટમાં સર્વિસ ટેક્સ વધારવા ઉપરાંત કેટલાક પ્રકારની સબસિડીમાં પણ કાપ મૂકવામાં આવશે, જેના પગલે કેટલીક ચીજવસ્તુ મોંઘી થઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like