વરિષ્ઠ નાગરિકો માટે કેશલેસ સ્વાસ્થ્ય વીમા યોજના બજેટમાં?

નવી દિલ્હી: સરકાર અત્યારે વરિષ્ઠ નાગરિકો માટે કેશલેસ સ્વાસ્થ્ય વીમા યોજના પર કામ કરી રહી છે અને તેની જાહેરાત આગામી કેન્દ્રીય બજેટ ૨૦૧૬-‘૧૭માં કરવામાં આવે એવી શક્યતા છે. બેન્ક અને વીમા કંપનીઓ, ઈપીએફઓ અને નાની બચત યોજનાઓમાં આશરે રૂ. ૧૦,૦૦૦ કરોડ કોઈ પણ પ્રકારના દાવા વગર પડ્યાં છે તેનો ઉપયોગ વયસ્ક લોકો માટે સ્વાસ્થ્ય વીમા કવર માટે કરી શકાય એમ છે, એવું સાધનોએ જણાવ્યું હતું.

સિનિયર સિટિઝનોને સ્વાસ્થ્યની જાળવણી માટે તેમનાં બાળકો અથવા તો તેમનાં પૌત્રો પર નિર્ભર રહેવું પડે છે એમ તેમણે જણાવતાં કહ્યું હતું કે આ સૂચિત યોજનાથી તેમની બીજી અને ત્રીજા પ્રકારની સ્વાસ્થ્યની જાળવણીની જરૂરિયાત પૂરી કરશે. ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે વ્યક્તિ દીઠ વીમા કવર રૂ. ૫૦,૦૦૦થી વધુનું રહેશે. નાણાં પ્રધાન અરૂણ જેટલી ૨૯મી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ સૂચિત યોજના નાણાં ખાતા અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસીસ દ્વારા જોવામાં આવશે.

સરકાર આ યોજના લાભકર્તાઓના બેન્ક એકાઉન્ટ સાથે જોડશે જેથી આ સબ્સિડાઈઝ્ડ રકમ સીધી તેમનાં ખાતામાં જમા કરવામાં આવશે. આ દરખાસ્ત મુજબ, ગરીબી રેખા નીચે જીવનારા લોકો માટે પ્રીમિયમમાં ૯૦ ટકા રાહત આપવામાં આવશે જે તેમના બેન્ક એકાઉન્ટમાં સીધાં જ જમા થશે. વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા યોજના એ અત્યારે ઓછી પ્રીમિયમવાળા જીવન વીમા (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના) જનરલ વીમા (પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના) અને પેન્શન પ્લાન (અટલ પેન્શન) યોજનાનો જ તાર્કિક વિસ્તાર છે એમ સાધનોએ જણાવ્યું હતું.

You might also like