વધુ એક બ્રિટિશ પરંપરાનો અંતઃ ૧ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અગાઉ પણ એવી ઇચ્છા વ્યકત કરી હતી કે તે સામાન્ય બજેટ થોડા અઠવાડિયા અગાઉ રજૂ કરવા માગે છે. હવે આ અંગે સહમતી સધાઇ ગઇ છે. આગામી નાણાકીય વર્ષ (ર૦૧૭-૧૮)નું સામાન્ય બજેટ હવે ૧ ફેબ્રુઆરી ર૦૧૭ના રોજ રજૂ કરવામાં આવશે.

આ દૃષ્ટિએ હવે બજેટની તૈયારીઓ ૧ ડિસેમ્બરને બદલે ૧ નવેમ્બરથી શરૂ થઇ જશે. આ નિર્ણય માટે ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી લેવામાં આવશે. સરકારનું માનવું છે કે ચાર અઠવાડિયા વહેલું બજેટ રજૂ કરવાથી તેની જોગવાઇઓનો અમલ કરવા માટે કેન્દ્ર અને રાજય સરકારોને વધુ સમય મળશે.

ઉચ્ચ કક્ષાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર સામાન્ય બજેટ રજૂ કરવા અંગે અંગ્રેજોએ સ્થાપેયી પરંપરા બદલવાનો આ બીજો નિર્ણય છે, જે એનડીએના કાર્યકાળમાં લેવામાં આવ્યો છે. આ અગાઉ અટલ બિહારી વાજપેયીની સરકારે સામાન્ય બજેટ રજૂ કરવાનો સમય સાંજે પ-૦૦ વાગ્યના બદલે સવારે ૧૧-૦૦ વાગ્યે કરવાનો નિર્ણય લીધો હતો. અંગ્રેજોએ બ્રિટિશ સંસદના સમયને અનુરુપ ભારતીય સંસદમાં પણ બજેટ રજૂ કરવાનો સમય સાંજે પ-૦૦ વાગ્યાનો નક્કી કર્યો હતો.

આ રીતે ફેબ્રુઆરી ‌મહિનાના છેલ્લા દિવસે સામાન્ય બજેટ રજૂ કરવાની પરંપરા પણ બ્રિટિશ રાજના સમયથી ચાલતી આવી છે. જેને હવે બદલી નાખવાનો નિર્ણય એનડીએ સરકાર દ્વારા કરવામાં આવ્યો છેે. આ ઉપરાંત સરકારે રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આ વર્ષે કદાચ તેનો અમલ થઇ શકશે નહીં. આ સંજોગોમાં ૩૧ જાન્યુઆરી ર૦૧૭ના રોજ રેલવે બજેટ અને ૩૦ જાન્યુઆરી ર૦૧૬ના રોજ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.

You might also like