બીયુ પરમિશન રહેણાક માટેની મેળવી અને સ્કૂલ શરૂ કરી દીધી

અમદાવાદ: મણિનગરમાં ધમધમતી શાળાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ચેન્જ ઓફ યુઝની નોટિસ ફટકારાતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

મણિનગરની કુંભનાથ સોસાયટીમાં ચંદ્રકેતુ પંડ્યા ઈંગ્લિશ સ્કૂલ ચાલે છે. આ ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકોએ ખોખર વોર્ડની ટીપી સ્કીમ નંબર ૨૪, ફાઈનલ પ્લોટ નંબર ૧૬૯/૪ અને સબ પ્લોટ નંબર ૧૧/બી+૧૨માં સેલર, હોલો પ્લિન્થ, ગ્રાઉન્ડ ફલોરની સેકન્ડ ફલોર સુધીનું બાંધકામ રહેણાક તરીકેની બીયુ પરમિશન મેળવી હતી. જો કે તેનો ઉપયોગ શાળા તરીકે કરતા કુંભનાથ સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા.

શાળાના કારણે સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી સતત ઘોંઘાટ રહેવાથી ટ્રાફિકના પ્રશ્નો વગેરે સર્જાતા સોસાયટીના રહીશોએ શાળા વિરુદ્ધ પોલીસ તંત્રને પણ ફરિયાદ કરી હતી. સોસાયટીના રહીશ મનોજ સત્યપાલ કુમારે વડા પ્રધાનના કાર્યાલય સુધી આ મામલે રાવ નાખતાં મણિનગરના એક નાગરિકની અરજીની મણિનગરના પૂર્વ ધારાસભ્ય અને હાલના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયે ગંભીરતાથી નોંધ લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના કાન આમળ્યા હતા.

વડા પ્રધાનના કાર્યાલય દ્વારા તંત્રને તાકીદ કરાતા દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગે આ શાળાના રેકર્ડની ચકાસણી કરતા રહેણાકની બીયુ પરમિશન મેળવીને સ્કૂલ તરીકે ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સબ પ્લોટ નંબર ૧૨ની જગ્યામાં ઓફિસ હોઈ એસ્ટેટ વિભાગ દ્વારા બીપીએમસી એક્ટની કલમ હેઠળ ૪૭૮ હેઠળ ગત તા.૧૨ મે, ૨૦૧૭એ શાળાના સંચાલકોને ચેન્જ ઓફ યુઝની નોટિસ ફટકારી છે. જોકે આગળ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

દરમિયાન મનોજ સત્યપાલ કુમાર વધુમાં કહે છે, ‘મેં તો મારા પરિવાર સાથે સોસાયટી છોડી દીધી છે પરંતુ મ્યુનિસિપલ તંત્રની નિષ્ક્રિયતા સમજાતી નથી. જ્યારે દક્ષિણ ઝોનના એસ્ટેટ ઓફિસર રાજેન્દ્ર જાદવ તંત્રનો હાસ્યાસ્પદ રીતે બચાવ કરતાં કહે છે, કોર્પોરેશને બે મહિના પહેલાં ચેન્જ ઓફ યુઝની નોટિસ તો ફટકારી છે ને એટલે આગળની કાર્યવાહી પણ કરાશે. જોકે હાલ કશું જ કરવાનું નથી અને ત્યાં સ્કૂલ છે જ નહીં ફક્ત કિન્ડર ગાર્ડન ચાલે છે.’

આ દરમિયાન શાળાનાં મહિલા સંચાલક રીટાબહેન પંડ્યા કહે છે, પોતાના બંગલાને ઊંચી કિંમતે વેચવા માટે મનોજભાઈ જેવા કેટલાક લોકો મારી શાળા બંધ કરાવવા મારી પાછળ પડી ગયા છે. મને તંત્રની ચેન્જ ઓફ યુઝની નોટિસ મળી છે, પરંતુ હું ‘નો ડોનેશનના સિદ્ધાંત પર શાળા ચલાવું છું.’
http://sambhaavnews.com/

You might also like