સિમકાર્ડ અને નેટવર્ક વિના પણ થઈ શકશે મોબાઈલમાં વાત…

મુરાદાબાદ:  આગામી દિવસોમાં હવે તમે સિમકાર્ડ અને મોબાઈલ નેટવર્ક વિના પણ ફોન પર વાત કરી શકશો. આવી સુવિધા બીએસએનએલની ઈન્ટરનેટ ટેલિફોનિક સેવા પરથી મળી શકશે. આ માટે હાલ બીએસએનએલ દ્વારા પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકોએ આ સુવિધા માટે સાવ મામૂલી ખર્ચ કરવાનો રહેશે.

બીએસએનએલ દ્વારા વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યું છે, તેનો હેતુ અંતરિયાળ વિસ્તારમાં ખાસ કરીને જંગલમાં રહેતા લોકોને વિક્ષેપ વિના ટેલિફોનિક સેવા મળી રહે તે માટેનો છે. આ સેવા શરૂ કરવામાં સામાજિક ફરજ અદા કરવા માટે કેન્દ્ર સરકાર આર્થિક સહાય આપી રહી છે.

આ સેવા શરૂ કરવા માટે ગામડાંઓ અને શહેરોમાં વાઈફાઈ અને હોટસ્પોટ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ માટે બીએસએનએલ દ્વારા તેને લગતાં ઉપકરણોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. બીએસએનએલની આ સેવા માટેની તૈયારીને ધ્યાનમાં લઈને કેટલીક ખાનગી મોબાઈલ કંપનીઓ પણ આવી સેવાનો આરંભ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે.

ઈન્ટરનેટ ટેલિફોનિક સેવા માટે બીએસએનએલ દ્વારા એક એપ તૈયાર કરવામાં આવી રહી છે, તેને ડાઉનલોડ કરવી પડશે. જે સિમકાર્ડ અને નેટવર્ક વિના જ હોટ સ્પોટ અને વાઈફાઈ સાથે જોડાઈ જશે. ત્યારબાદ ગ્રાહક વિનામૂલ્યે કોઈ પણ નેટવર્ક પર કોલ કરી શકશે અને આવા કોલ દેશમાં ગમે ત્યાં કરી શકાશે.

બીએસએનએલ હાલ આ માટે ડિવાઈસ પણ તૈયાર કરી રહ્યું છે, જેના કારણે ગ્રાહકોને એપ ડાઉનલોડ કરવાની પણ જરૂર નહિ પડે. બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર અનુપમ શ્રીવાસ્તવે આવી સેવા શરૂ કરતાં પહેલાં તમામ અધિકારીઓને પત્ર પાઠવી આવી સેવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

You might also like