રાજસ્થાન બોર્ડર પર પાક. દળોની હિલચાલ: BSF એલર્ટ

અજમેર: ઉરીમાં આતંકી હુમલા બાદ તેનો તણાવ હવે રાજસ્થાન સુધી પહોંચી ગયો છે. જેસલમેર બોર્ડર પર પાકિસ્તાની લશ્કરની હિલચાલ વધી ગઈ છે. પાકિસ્તાનની હિલચાલને લઈને ભારતીય દળોએ પણ પોતાની સતર્કતા વધારી દીધી છે. દરમિયાન અજમેરમાં આવી રહેલા પાકિસ્તાની ડેલિગેશનનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે.

પાકિસ્તાની દળોએ રાજસ્થાન બોર્ડર પર ઉશ્કેરણીજનક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પહેલા ગંગાનગર અને હવે જેસલમેર સાથે જોડાયેલી સરહદ પર પાકિસ્તાન આર્મીની હિલચાલ વધી ગઈ છે. જેસલમેરથી લગભગ ૨૦થી ૩૦ કિ.મી.ના દાયરામાં પાકિસ્તાને ૨૨ સપ્ટેમ્બરથી ‘ડેઝર્ટ વોર ગેમ એક્સર્સાઈઝ’ શરૂ કરી દીધી છે. આ વખતે પ્રેક્ટિસ દ્વારા પાકિસ્તાન પોતાની લશ્કરી તાકાત અને નવા શસ્ત્રોનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની આર્મી અને એરફોર્સનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે. ૩૦ ઓક્ટોમ્બર સુધી આ અભ્યાસ ચાલશે.

દરમિયાન ભારત અને પાકિસ્તાન સરહદ બીએસએફને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. બીએસએફના જવાનોએ સ્વયં પોતાની રજાઓ રદ કરી નાંખી છે. અજમેરમાં પાકિસ્તાનનું એક પ્રતિનિધિ મંડળ આવવાનું છે, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંગઠનોએ પાકિસ્તાની પ્રતિનિધિ મંડળે અટકાવવાની માગણી કરી છે. કેટલાંક સંગઠનોએ અજમેરના કલેક્ટરને ચેતવણી આપી છે કે પાકિસ્તાની પ્રતિનિધિ મંડળને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

પાકે. ફરી યુદ્ધવિરામ ભંગ કર્યોઃ પૂંચમાં ફાયરિંગ અને મોર્ટાર મારો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાને ફરીથી યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના પૂંચમાં મેંઢર વિસ્તારમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને મોર્ટાર મારો ચલાવ્યો હતો. જેનો ભારતીય સેનાએ જડબાંતોડ જવાબ આપ્યો હતો.બુધવારે મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના શૌજિયાં વિસ્તારમાં અંકુશ રેખા પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગત બુધવારે પણ પાકિસ્તાની દળોએ યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાની દળોએ ભારતીય ચોકીઓ પર સતત ર૦ મિનિટ સુધી ફાયરિંગ કર્યું હતું.

You might also like