સાંબા સેકટરમાં પાક.નો વધુ એક વખત યુદ્ધવિરામ ભંગઃ BSFનો જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સાંબા સેકટરમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનો ફરી એક વખત ભંગ કરીને ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ફાયરિંગ કરતાં બીએસએફના જવાન દેવેન્દ્રકુમાર શહીદ થયા છે. આમ સરહદે પાકિસ્તાનની નાપાક હરકતો જારી છે.

સીઝ ફાયર દરમિયાન ક્રોસ ફાયરિંગનો બીએસએફનો એક જવાન શહીદ થતાં ભારતીય સેેનાએ પણ પાક. રેન્જર્સના ગોળીબારનો સજ્જડ જવાબ આપ્યો હતો. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની રેન્જરોએ સાંબા સેકટરમાં યુદ્ધ વિરામનો ભંગ કરીને ભારતીય વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે.

દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર કેટલીક આતંકી ગતિવિધિ જોવા મળતાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ કઠુઆમાં પાંચ આતંકીઓની હિલચાલ જોવા મળી હતી. તેના પગલે બીએસએફને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ફાયરિંગની આડમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવી રહ્યું છે. આમ સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતો સતત જારી છે. તાજેતરમાં પાકિસ્તાને એલઓસી પર એક ગામમાં લગ્ન સમારોહ દરમિયાન ફાયરિંગ કર્યું હતું. જેમાં ગામના એક નાગરિકનું મોત થયું છે.

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો સિલસિલો સતત જારી છે. એક રિપોર્ટ અનુસાર ૭૭૮ કિ.મી. લાંબી એલઓસી પર આ વર્ષે માત્ર ૧૧૦ દિવસમાં પાકિસ્તાની દળોએ ૭૪૭ વખત યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. આ આંકડા ગત ૧પ વર્ષની તુલનાએ સૌથી વધુ છે.

You might also like