બીએસએફમાં ફરજ બજાવતાે ખેરાલુનો જવાન આતંકવાદી હુમલામાં શહીદ

અમદાવાદ: કાશ્મીરના શ્રીનગરમાં બીએસએફમાં ફરજ બજાવતા ખેરાલુના એક જવાનનું આતંકવાદી હુમલામાં મોત થતાં આ જવાનનો મૃતદેહ ખેરાલુ નજીક આવેલા મેઢાસણ ગામે લવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ખેરાલુુ નજીક આવેલા મેઢાસણ ગામે રહેતા જીતુભાઇ માધવલાલ રાવલ છેલ્લા કેટલાક વખતથી બીએસએફમાં કાશ્મીરના શ્રીનગરમાં ફરજ બજાવતા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી કાશ્મીરમાં અશાંતિનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આતંકવાદીઓ દ્વારા આર્મી કેમ્પ પર અવારનવાર હુમલા કરવામાં આવી રહ્યા છે.

ચાર દિવસ અગાઉ શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં ખેરાલુના આ જવાન જીતુુભાઇ રાવલને ગોળી વાગતાં શહીદ થયા હતા. આ શહીદનો મૃતદેહ ગઇ કાલે વિમાન માર્ગે શ્રીનગરથી અમદાવાદ લાવી તેમના વતન મેઢાસણ પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે પુરા માન-સન્માન સાથે આ જવાનની અંતિમવિધિ કરવામાં આવી હતી. નાના એવા મેઢાસણ ગામના જવાનની શહીદીથી શોકનું વાતાવરણ છવાયું હતું અને સૌ કોઇની આંખ ભીની બની ગઇ હતી.

You might also like