કચ્છ સરહદે આવેલા હરામીનાળા પાસેથી ૧૪ પાકિસ્તાની બોટ ઝડપાઇ

અમદાવાદ: કચ્છની સમુદ્રી સરહદે આવેલા હરામીનાળા પાસેથી આજે વહેલી સવારે બીએસએફ દ્વારા ઓપરેશન હાથ ધરી ૧૪ જેટલી પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે. બીએસએફએ ત્રણ પાકિસ્તાની માછીમારોને પણ ઝડપ્યા છે. ગઈ કાલે ત્રણ બોટ સાથે બે માછીમાર ઝડપાયા હતા ત્યારે વધુ પાકિસ્તાની બોટ મળી આવતાં સરહદ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

બીએસએફનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કચ્છ પાકિસ્તાન સરહદ વચ્ચે આવેલા હરામીનાળા પાસેથી ગઈકાલે બીએસએફની ટીમે ત્રણ બોટ સાથે બે પાકિસ્તાની માછીમારને ઝડપી પાડ્યા હતા, જયારે કેટલાક માછીમાર નાસી જવામાં સફળ રહ્યા હતા. તેઓને ઝડપવા જતા સામેથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેના પગલે બીએસએફ દ્વારા પણ પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે બીએસએફની ટીમોએ હરામીનાળા વિસ્તારમાં સઘન ઓપરેશન શરૂ કરી અને ૧૪ જેટલી પાકિસ્તાની બોટ સાથે ત્રણ માછીમારને ઝડપી પાડ્યા હતા. ગઈ કાલે ઝડપાયેલા બે શખ્સ ગરીબ માછીમાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બોટમાંથી માછલી અને ફિશિંગનાં સાધનો મળી આવ્યાં હતાં. હાલમાં તમામ બોટ અને માછીમારને ભૂજ ખાતે લાવી અને વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

You might also like