સારા શેર ખરીદીની તક રોકાણકારને મળશે

ગઇ કાલે છેલ્લે નિફ્ટી ૩૩ પોઇન્ટના ઘટાડે ૮૨૦૦ની નીચે ૮૧૭૦ની સપાટીએ બંધ જોવાઇ છે, જે નેગેટિવ સંકેત સમાન ગણાવી શકાય. સપ્તાહના અંતે સેન્સેક્સમાં ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીમાં ૦.૬ ટકાનો ઘટાડો જોવાયો હતો.

શેરબજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં નરમાઇ જોવા મળી રહી છે. ખાસ કરીને સ્થાનિક બજારમાં એફઆઇઆઇ સાવધાનીપૂર્વકની ચાલ ચાલી રહ્યું છે. એપ્રિલ મહિનામાં આઇઆઇપી ડેટાએ ફરી એક વાર નિરાશ કર્યા છે. આઇઆઇપી ગ્રોથ ઘટીને -૦.૮ ટકા આવ્યો છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ઘટીને -૩.૧ ટકા નોંધાયો છે, જે અપેક્ષા કરતાં ઘણો વધુ નેગેટિવ છે. આગામી સપ્તાહે શેરબજારમાં પ્રેશર વધી શકે છે.

એ જ પ્રમાણે ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક બુધવાર અને ગુરુવારે મળી રહી છે. વૈશ્વિક સહિત સ્થાનિક શેરબજારની નજર પણ તેના ઉપર મંડાયેલી છે. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૮૧૫૦ની નીચે જાય તો ૮૦૦૦ની સપાટી જોવાઇ શકે છે. શેરબજારનો અંડરટોન નેગેટિવ છે. દરમિયાન બ્રિટન યુરોપિયન યુનિયનમાં રહેશે કે નહીં તે અંગેનો જનમત આગામી ૨૩ જૂને છે.

વૈશ્વિક મૂડીબજારની નજર તેના ઉપર મંડાયેલી છે ત્યારે અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે સ્થાનિક બજારમાં પણ સુધારો જોવાવાની શક્યતા ખૂબ જ ઓછી છે, જોકે રોકાણકારો માટે આ ઘટાડો સારી ‘બાઇંગ ઓપર્ચ્યુનિટી’ બની શકે છે. બેન્કોના શેરમાં રોકાણ લાભકારક સાબિત થઇ શકે છે. સારું ચોમાસું, જીએસટી બિલ પસાર થવાની શક્યતા તથા ફેડરલ અને બ્રેક્ઝિટ બાદની સ્પષ્ટતા સ્થાનિક બજારમાં સુધારાને સપોર્ટ કરે.

You might also like