સેન્સેક્સે ૩૨,૦૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદ: શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૧૮ પોઇન્ટના સુધારે ૩૨,૦૦૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૭ પોઇન્ટના સુધારે ૧૦,૦૩૩ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. મેટલ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૪.૩૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એશિયન પેઇન્ટ, ભેલ, લાર્સન એન્ડ ટુબ્રો, આઇટીસી, રિલાયન્સ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. તો બીજી બાજુ ઓએનજીસી, ડો.રેડ્ડીઝ લેબ્સ અને કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૦.૭૬ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

ઓટોમોબાઇલ, એફએમસીજી, મીડિયા, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ કંપનીના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી, જોકે આઇટી અને પાવર સેક્ટરના શેર પ્રેશરમાં નોંધાયા હતા. દરમિયાન આજે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. સ્થાનિક બજારમાં એફઆઇઆઇ સહિત સ્થાનિક ફંડોની લેવાલીના પગલે શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી.

મેટલ શેરમાં લાલચોળ તેજી
કંપનીનું નામ ટકાવારીમાં વધારો
ટાટા સ્ટીલ ૪.૧૭ ટકા
વેદાન્તા ૧.૪૩ ટકા
સેઈલ ૧.૧૧ ટકા
નેશનલ એલ્યુમિનિયમ ૧.૦૮ ટકા
જિંદાલ સ્ટીલ ૧.૩૩ ટકા
જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૬૪ ટકા
હિંદાલ્કો ૧.૪૨ ટકા

આજે ઔદ્યોગિક ઉત્પાદન અને રિટેલ ફુગાવાના ડેટા આવશે
આજે જુલાઈ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા જાહેર થશે. જુલાઈમાં આઈઆઈપી ગ્રોથ ૧.૩ ટકા રહેવાનું અનુમાન છે. જૂનમાં આઈઆઈપી ગ્રોથ – ૦.૧ ટકા જોવાયો હતો. જ્યારે બીજી બાજુ ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી આંક વધવાનું અનુમાન છે. જુલાઈમાં રિટેલ મોંઘવારી આંક ૨.૩૬ ટકા રહ્યો હતો.

You might also like