ફેબ્રુઆરી એક્સપાયરી પૂર્વે શેરબજારમાં બંને તરફની વધ-ઘટ વધશે

ગઇ કાલે છેલ્લે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૧૬૭ પોઇન્ટના સુધારે ૨૮,૪૬૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૩ પોઇન્ટના સુધારે ૮૮૦૦ની ઉપર ૮૮૨૧ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે ફેબ્રુઆરી એક્સપાયરીના પગલે શેરબજારમાં બંને તરફની વધ-ઘટ જોવાઇ શકે છે, જોકે નિફ્ટી ૮૮૦૦ની ઉપર બંધ આવી છે તે એક સારાે સંકેત ગણાવી શકાય. આગામી સપ્તાહે ૨૪ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી હોવાના કારણે શેરબજાર બંધ રહેશે. આમ, ચાર દિવસનું ટૂંકું ટ્રેડિંગ સપ્તાહ રહેશે. દરમિયાન ચાલુ સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૦.૫ ટકાનો સુધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીમાં ૦.૩ ટકાનો સુધારો જોવાયો હતો. ખાસ કરીને બેન્ક સેક્ટરની આગેવાનીએ શેરબજારમાં આગેકૂચ નોંધાતી જોવાઇ હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ૧૧ માર્ચે પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામો આવનાર છે તે પૂર્વે શેરબજારને અસર કરે તેવા ખાસ કોઇ મહત્ત્વના ટ્રિગરનો અભાવ વર્તાઇ રહ્યો છે. ચૂંટણીનાં પરિણામ પૂર્વે શેરબજાર ચોક્કસ રેન્જમાં કારોબારમાં જોવા મળી શકે છે. સ્થાનિક રોકાણકારની સાથે વિદેશી રોકાણકાર પણ વેઇટ એન્ડ વોચના મૂડમાં છે.

દરમિયાન વૈશ્વિક મોરચે પણ સકારાત્મક પરિણામનો અભાવ વર્તાઇ રહ્યો છે. તેની અસર સ્થાનિક શેરબજાર ઉપર નોંધાઇ રહી છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મધ્યમથી લાંબા સમયગાળા માટે શેરબજારની ચાલ પોઝિટિવ રહી શકે છે. આવા સંજોગોમાં નીચા મથાળે આઇટી સેક્ટરમાં રોકાણ લાભકારક ગણાવી શકાય.
http://sambhaavnews.com/

You might also like