વિક્રમ સંવત ૨૦૭૩ વેપાર-ઉદ્યોગ માટે નવો ઉમંગ લઈને આવશે!

વિક્રમ સંવત ૨૦૭૨ પૂરું થવાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હવે ૨૦૭૩ વેપાર ઉદ્યોગ માટે નવી આશા લઈને આવનારું બને તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.
શેરબજાર નવી ઊંચાઈએ જોવાઈ શકે છે
ગઇ કાલે છેલ્લે બીએસઇ સેન્સેક્સ ૨૫.૬૧ પોઇન્ટના સુધારે ૨૭,૯૪૧.૫૧ની સપાટીએ બંધ જોવાયો હતો. વિક્રમ સંવદ ૨૦૭૨નું વર્ષ પૂરું થયું છે ત્યારે આવતી કાલે મુહૂર્તના સોદા છે. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં જે રીતે વિદેશી રોકાણ આવી રહ્યું છે એટલું જ નહીં સરકાર જીએસટી સહિતના વિવિધ આર્થિક સુધારા કરી રહી છે તે જોતાં બજારમાં પણ તેની સકારાત્મક ચાલ જોવાઇ શકે છે. બજારનાં નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ પૂર્વે શેરબજાર નવી ઊંચાઇએ જોવાઇ શકે છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલે તેની પ્રથમ પોલિસીમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા બાદ હજુ પણ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં ૦.૨૫થી ૦.૫૦ ટકા સુધીનો નીતિગત વ્યાજના દરમાં ઘટાડો થઇ શકે તેવો આશાવાદ પ્રવર્તતો જોવા મળી રહ્યો છે. આ જોતા બેન્કિંગ સેક્ટરમાં તેની સકારાત્મક ચાલ જોવાઇ શકે છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી વર્ષે બેન્કિંગ સેક્ટરના શેરમાં રોકાણ લાભકારક પુરવાર થઇ શકે છે.

ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં પણ રોકાણકારને આગામી વર્ષ લાભકારક પુરવાર થઇ શકે છે. એટલું જ નહીં પાછલા કેટલાક મહિનાથી ઓટોમોબાઇલ સેક્ટરના ડેટા સકારાત્મક આવી રહ્યા છે. સરકારે સાતમા પગારપંચની જાહેરાત કરતા તથા દેશના મોટા ભાગનાં રાજ્યોમાં અપેક્ષા કરતાં સારા વરસાદના પગલે પેસેન્જર કાર તથા ટુ વ્હિલરના વેચાણ સેલ્સ ડેટા ઊંચા આવે તેવી શક્યતા છે. મારુતિ સહિત ટાટા મોટર્સ તથા અન્ય ઓટોમોબાઇલ કંપનીના શેરમાં તેની સકારાત્મક અસર જોવાઇ શકે છે. ઓટો શેરમાં રોકાણ પણ ફાયદેમંદ પુરવાર થઇ શકે છે.

સલામત રિટર્ન માટે સોના-ચાંદીમાં રોકાણ લાભકારક રહી શકે
વિક્રમ સંવત ૨૦૭૨માં સોનામાં ૧૬ ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. એ જ પ્રમાણે ચાંદીમાં પણ ૨૦ ટકાથી વધુનું રિટર્ન છૂટતું જોવા મળ્યું છે. બુલિયન બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા અનિશ્ચતતાભર્યા માહોલના પગલે સોના અને ચાંદીમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આગામી વર્ષે પણ આ ટ્રેન્ડ જળવાય તેવો મત વ્યક્ત કરાઇ રહ્યો છે. આમ વિક્રમ સંવત ૨૦૭૩માં પણ સોના-ચાંદીમાં રોકાણ રોકાણકારને લાભકારક પુરવાર થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ૨૬,૨૦૦ હતો, જે હાલ વધીને ૩૦,૫૦૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

જીએસટીની ૨૦૧૭થી અમલવારી વેપાર-ઉદ્યોગ માટે ગેમ ચેઇન્જર સાબિત થશે!
કેન્દ્ર સરકાર આગામી એપ્રિલ ૨૦૧૭થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. આગામી નવેમ્બર મહિનાની શરૂઆતમાં જીએસટીના રેટ અંગે નિર્ણય લેવાઇ જશે ત્યારે સ્થાનિક વેપાર ઉદ્યોગ માટે જીએસટી ગેમ ચેઇન્જર સાબિત થઇ શકે છે. નોંધનીય છે કે વેટ, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ તથા અન્ય કેટલાક ટેક્સની સામે જીએસટી આવશે, જેના કારણે સમગ્ર દેશમાં એકસરખું ટેક્સનું માળખું ઊભું થશે તથા રાજ્યના ઉદ્યોગોએ દેશનાં અન્ય રાજ્યનાં ઉદ્યોગો સાથે બિનજરૂરી હરીફાઇ કરવી પડતી હતી તે હરીફાઇ કેટલાક અંશે ઓછી થશે, જેનો ફાયદો વેપાર ઉદ્યોગજગતને ફાયદો થશે.

ચાઈનીઝ વસ્તુઓ પર બાનઃ નાના ટ્રેડર્સ-ઉદ્યોગોને ફાયદો થશે
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ચાઇનીઝ વસ્તુઓના વેચાણ ન કરવાની વેપાર-ઉદ્યોગના ટ્રેડર્સને અપીલ કરી છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આ અપીલના કારણે તથા વેપારીઓમાં અને ગ્રાહકોમાં જોવા મળેલી જાગૃતિના કારણે નાના ટ્રેડર્સને તથા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને આગામી વર્ષે તેનો સીધો ફાયદો થઇ શકે છે. ખાસ કરીને ગૃહઉદ્યોગો જેવા કે ડેકોરેશન, ઇલેક્ટ્રિક, રેડિમેડ ગાર્મેન્ટ, કાપડ અને કેમિકલ સેક્ટરમાં પણ તેનો સીધો ફાયદો જોવાઇ શકે છે.

You might also like