શેરબજારમાં સળંગ છ દિવસની તેજી અટકી

અમદાવાદ: શેરબજારમાં સળંગ છ દિવસની રેલી જોવાઇ હતી. આ રેલીમાં સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટથી વધુનો વધારો નોંધાયો હતો, જોકે આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું છે. વૈશ્વિક બજારમાં જોવા મળેલા ઘટાડા તથા સ્થાનિક શેરબજારમાં નોંધાયેલી વેચવાલીએ શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૪૮ પોઇન્ટના ઘટાડે ૨૭,૨૩૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૦ પોઇન્ટના ઘટાડે ૮,૩૫૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી.

આજે શરૂઆતે ઓટોમોબાઇલ, આઇટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ભારે વેચવાલી જોવાઇ હતી. બજાજ ઓટો કંપનીનો શેર ૧.૩૩ ટકા તૂટી ૨,૬૧૫.૬૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો હતો, જ્યારે એનટીપીસી કંપનીનો શેર ૧.૨૨ ટકા, ગેઇલ કંપનીનો શેર ૧.૧૨ ટકા તૂટ્યો હતો તો બીજી બાજુ ડો. રેડ્ડીઝ લેબ્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, અદાણી પોર્ટ કંપનીના શેરમાં ૦.૭૫ ટકાથી એક ટકાનો સુધારો નોંધાયો હતો.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ટૂંકા ગાળામાં બજારમાં પ્રોફિટ સેલિંગ જોવાઇ શકે છે, પરંતુ મધ્યમથી લાંબા સમયગાળામાં બજારમાં સુધારાની ચાલ નોંધાઇ શકે છે. જીએસટી ચોમાસા બાદ પાકની નવી આવકો, સાતમા પગારપંચની અમલવારી, સરકારના આર્થિક સુધારા તથા પ્રથમ ત્રિમાસિક સમયગાળાના સારાં પરિણામની આશાએ બજારમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે.

You might also like