શેરબજારમાં શરૂઆતે જોવાયેલો સુધારો ધોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૭૫ પોઈન્ટના સુધારે ૩૧,૫૨૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૨ પોઇન્ટના સુધારે ૯૮૧૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. નિફ્ટીએ આજે શરૂઆતે જ ૯,૮૦૦ની સપાટી ક્રોસ કરી દીધી હતી. બેન્ક, કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી, જ્યારે ઓટોમોબાઇલ, સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. જોકે શરૂઆતે જોવાયેલો સુધારો તુરત જ ધોવાઇ ગયો હતો અને બજાર રેડ ઝોનમાં જોવા મળ્યું હતું. ઊંચા મથાળેથી નિફ્ટી ઘટીને ૯,૭૮૩ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે એશિયાઇ શેરબજારમાં મિશ્ર ચાલ જોવા મળી હતી. સ્થાનિક શેરબજારમાં તેની સકારાત્મક અસર જોવાઇ હતી. અદાણી પોર્ટ્સ, હિંદુસ્તાન યુનિલિવર, એચડીએફસી કંપનીના શેરમાં ૧.૨૦ ટકાથી બે ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ એલએન્ડટી, કોલ ઇન્ડિયા અને એશિયન પેઇન્ટ્સ કંપનીના શેરમાં ૦.૮૪ ટકાથી ૧.૨૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે બજાર નવ ટ્રિગરની રાહ જોઈ રહ્યું છે.

નિફ્ટીના આ શેર ઊછળ્યા
સિપ્લા ૫.૨૯ ટકા
સન ફાર્મા ૪.૮૪ ટકા
ટાટા સ્ટીલ ૪.૫૨ ટકા
ટાટા પાવર ૩.૯૨ ટકા
હિંદાલ્કો ૩.૬૯ ટકા

નિફ્ટીના આ શેરમાં ઘટાડો
બોશ ૨.૧૪ ટકા
ભારતી એરટેલ ૧.૪૫ ટકા
એચસીએલ ટેક્નો. ૧.૪૦ ટકા
ભારત પેટ્રોલિયમ ૧.૨૩ ટકા
ટાટા કન્સલ્ટન્સી ૧.૦૭ ટકા

એપ્રિલથી જૂનમાં સોનાની આયાત બમણી
મુંબઇઃ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જુલાઇ મહિનાના સમયગાળામાં સોનાની આયાત બમણાથી વધુ થઇને ૧૩.૩૫ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે. કોમર્સ મિનિસ્ટ્રીના ડેટા મુજબ સોનાની આયાત વર્ષ ૨૦૧૬-૧૭ના એપ્રિલથી જુલાઇ મહિનાના સમયગાળામાં ૪.૯૭ અબજ ડોલર થઇ હતી. સોનાની આયાતમાં વધારો થતાં વેપાર ખાધ વધીને ૧૧.૪૪ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે, જે વર્ષ ૨૦૧૬ના જુલાઇ મહિનાના સમયગાળામાં ૭.૭૬ અબજ ડોલર હતી.

વીજળીના દર ઓછા કરવામાં બેન્કોની NPA વધી
મુંબઇઃ ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશને પાવર મિનિસ્ટ્રીને હસ્તક્ષેપ કરી વીજળીના દર સંબંધે નવેસરથી ચર્ચા કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે નવી પાવર યોજનાના કારણે બેન્કો ઉપર મોટું આર્થિક ભારણ પડશે તથા બેન્કોની એનપીએ વધશે. આઇબીએ પાવર મિનિસ્ટ્રીના સચિવને એક પત્ર લખી જણાવ્યું હતું કે પીપીએ કરારને રદ કરવો અથવા આ અંગે નવેસરથી વાતચીત કરવી જોઇએ.

ટેક્સનાં ચુકવણામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અવલ
મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશમાં સૌથી વધુ ટેક્સનું ચૂકવણું કરતી કંપની બની ગઇ છે. કંપનીએ પાછલાં દશ વર્ષના સમયગાળા દરમિયાન બે લાખ ૮૮ હજાર કરોડ રૂપિયા ટેક્સના સ્વરૂપે સરકારને ચૂકવ્યા છે.
કંપનીએ જણાવ્યું કે પાછલાં પાંચ વર્ષના સમયગાળામાં દેશમાં સૌથી વધુ રોકાણ પણ કંપનીએ કર્યું છે. આ ગાળામાં ૫૧ અબજ ડોલર કરતાં વધુનું રોકાણ કર્યું છે, જેમાંથી મોટા પ્રમાણમાં રોકાણ ટેલિકોમ સેક્ટર ‘જિયો’માં કર્યું છે.

You might also like