બેન્ક-ઓટો સેક્ટરની આગેવાનીએ નિફ્ટીએ ૮૨૫૦ની સપાટી વટાવી

અમદાવાદ: ગઇ કાલે છેલ્લે નિફ્ટી ૮૨૦૦ ઉપર બંધ રહેવામાં સફળ રહી હતી ત્યારે આજે શરૂઆતે વૈશ્વિક બજારમાં સપોર્ટ તથા સ્થાનિક બજારમાં એફઆઇઆઇની કેશ બજારમાં ખરીદીની ચાલે નિફ્ટી ૪૧ પોઇન્ટના સુધારે ૮૨૫૦ની સપાટી વટાવી ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૮૨૬૦ની સપાટીએ જોવાઇ હતી. બીએસઇ સેન્સેક્સ પણ ૧૬૨ પોઇન્ટના સુધારે ૨૭,૦૦૦ની ઉપર ૨૭,૦૦૫ની સપાટીએ જોવાયો હતો. ખાસ કરીને બેન્ક અને ઓટોમોબાઇલ કંપનીના શેર્સમાં ઉછાળો નોંધાયો હતો.

એક્સિસ બેન્કના શેર્સમાં ૨.૨૯ ટકા, ટાટા સ્ટીલ કંપનીના શેર્સમાં ૧.૩૪ ટકા, જ્યારે ટાટા મોટર્સ કંપનીના શેર્સમાં ૧.૨૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ ભારતી એરટેલ કંપનીનો શેર વેચવાલીના કારણે ૧.૯૦ ટકા તૂટ્યો છે. એશિયન પેઇન્ટ્સ અને એસબીઆઇ કંપનીના શેર્સમાં પણ ઘટાડાની ચાલ નોંધાઇ હતી. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નિફ્ટીએ ૮૨૦૦ની સપાટી ક્રોસ કરી છે ત્યારે સ્થાનિક મોરચે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં તેજીનો સેકન્ડ રાઉન્ડ જોવાઇ શકે છે. ખાસ કરીને સારા ચોમાસાની અસરથી ઓટોમોબાઇલ સેક્ટરમાં સુધારો નોંધાઇ શકે છે.

શેરબજારમાં સુધારો જોવાવાનાં કારણો
• વૈશ્વિક બજારમાં જોવા મળેલી સકારાત્મક ચાલ
• એફઆઈઆઈની કેશ માર્કેટમાં ખરીદી
• બેન્કિંગ સ્ટોક્સમાં જોવા મળેલી રિકવરી
• ઓટો સેક્ટરમાં વેચાણની વધતી શક્યતા
• સારા ચોમાસાની આશા
• નિફ્ટીએ ૮૨૦૦ની સપાટી ક્રોસ કરતાં મંદીની પોઝિશન કપાઈ

બેન્ક શેર મજબૂત
એક્સિસ બેન્ક                  ૩.૦૪ ટકા
બેન્ક ઓફ બરોડા            ૦.૬૭ ટકા
ICICI બેન્ક                    ૦.૬૦ ટકા
પંજાબ નેશનલ બેન્ક      ૧.૨૩ ટકા
યસ બેન્ક                        ૦.૭૭ ટકા

You might also like