સેન્સેક્સમાં શરૂઆતે ૩૦૦ પોઈન્ટનો ઉછાળો

મુંબઇ: સારા વૈશ્વિક સંકેતોને લઇને ઘરેલું બજારમાં પણ આજે શરૂ થતાના પ્રથમ કલાકમાં જ શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધારે ઉછાળો આવ્યો છે. તેજીના આ માહોલમાં નિફ્ટીએ ૮,૨૦૦ની સપાટી વટાવી છે, જ્યારે સેન્સેક્સમાં શરૂઆતના પ્રથમ કલાકમાં ૩૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

પ્રથમ એક કલાકમાં સેન્સેક્સમાં ૩૨૪.૧૯ પોઇન્ટના એટલે કે ૧.૨૪ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સ ૨૬,૫૬૧.૦૬ની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં ૯૯.૫૦ પોઇન્ટ એટલે કે ૧.૨૩ ટકાના ઉછાળા સાથે ૮,૨૦૦ની સપાટી વટાવીને ૮,૨૦૧.૩૦ની સપાટીએ પહોંચી ગયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ સારી લેવાલી જોવા મળી હતી.

બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ પણ એક ટકા જેટલો મજબૂત જોવા મળ્યો હતો. મેટલ, ઓટો, બેન્કિંગ, એફએમસીજી, આઇટી, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી.

બેન્ક નિફ્ટી એક ટકો વધીને ૧૮,૪૩૦ પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટીના પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ૧.૫ ટકાની તેજી જોવા મળી છે. નિફ્ટીના મેટલ ઇન્ડેક્સમાં બે ટકાનો, ઓટો ઇન્ડેક્સમાં ૧.૯ ટકાનો, એફએમસીજી ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો અને આઇટી ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મિડકેપ શેરમાં ગોદરેજ ઇન્ડ, ભારત ફોર્જ, ગેઇલ, જિંદાલ સ્ટીલ અને કોલગેટ સૌથી વધારે ૨.૭-૨ ટકા સુધી વધ્યા છે.
http://sambhaavnews.com/

You might also like