નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ સાથે ૯,૨૦૦ની નજીક

નવી દિલ્હી: એશિયાના માર્કેટ્સમાં મિશ્રિત કારોબાર વચ્ચે આજે અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ડોમેસ્ટિક માર્કેટની શરૂઆત તેજી સાથે થઇ હતી. નિફ્ટી નવા રેકોર્ડ સાથે પ્રથમ વાર ૯,૨૦૦ની સપાટીથી ઉપર ખૂલી હતી, જ્યારે ૩૦ શેરવાળો બીએસઇ સેન્સેક્સ ૧૭૦ પોઇન્ટ શરૂઆતમાં વધીને ૨૯,૭૫૬ની સપાટીને આંબી ગયો હતો, જ્યારે નિફ્ટી ૫૪ પોઇન્ટ પર ૯,૨૦૭ની સપાટી પર ખૂલી હતી.

પ્રારંભિક ટ્રેડિંગમાં સેન્સેક્સ પર આઇટીસીમાં સૌથી વધુ ૫.૬૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ અને લ્યુપિનના સ્ટોકમાં પણ તેજી જોવા મળી હતી, જ્યારે રૂપિયાની કમજોર શરૂઆત થઇ હતી. ડોલરની તુલનાએ રૂપિયો ચાર પૈસા નબળો થઇને ૬૫.૪૫ની સપાટીએ ખૂલ્યો હતો. શરૂઆતમાં ગેઈલ, ભારતી એરટેલ, એમએન્ડએમ, એલએન્ડટી, એચડીએફસી, ઇન્ફોસિસ, એસબીઆઇ, બજાજ ઓટો, ડો.રેડ્ડીના શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

બેન્કિંગ શેરમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે. આજના ટ્રેડિંગમાં બજારને એફએમસીજી, મેટલ, ઓટો અને રિયલ્ટી શેરને સૌથી વધુ સપોર્ટ મળી રહ્યો છે. સોનામાં રૂ. ૪૪૦ના ઉછાળા સાથે ૨૮,૪૨૫નો ભાવ જોવા મળ્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૧૫૭.૦૪ના ઉછાળા સાથે ૨૯,૭૪૦.૭૪ પર અને નિફ્ટી ૨૮.૩૫ના ઉછાળા સાથે ૯,૧૮૨.૦૫ પર ટ્રેડ કરી રહી છે. આમ, નિફ્ટી હવે ૯,૨૦૦ની લગભગ નજીક છે.
http://sambhaavnews.com/

You might also like