શેરબજારમાં રાહતઃ ડિસેમ્બર સિરીઝની પોઝિટિવ શરૂઆત

અમદાવાદ: ગઇ કાલે શેરબજાર છેલ્લે ઘટાડે બંધ થયું હતું. નવેમ્બર સિરીઝમાં ક્લોઝિંગ નબળું જોવાયું હતું ત્યારે રાહતના સમાચાર એ છે કે આજે શરૂઆતે બજાર પોઝિટિવ ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૪૮ પોઇન્ટના સુધારે ૨૬,૦૦૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૬ પોઇન્ટના સુધારે ૮,૦૨૨ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. બેન્ક, મેટલ સ્ટોક્સમાં ઘટાડે લેવાલી નોંધાઇ હતી.

આજે શરૂઆતે ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૧.૭૫ ટકાનો સુધારો નોંધાયો હતો. ભારતી એરટેલ અને એશિયન પેઇન્ટ પણ મજબૂત ૦.૮૦ ટકાથી ૧.૧૦ ટકાના સુધારે ખૂલ્યા હતા. તો બીજી બાજુ ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી અને અદાણી પોર્ટ્સ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી ૦.૬૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે જાહેર કરેલા નોટબંધીના નિર્ણયની અસર બજાર ઉપર જોવા મળી રહી છે. તો બીજી બાજુ રૂપિયાના ઘટાડાનું પ્રેશર પણ શેરબજાર ઉપર છે. આગામી ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારે તેવી મજબૂત શક્યતા છે. તો બીજી બાજુ વર્તમાન ઊભી થયેલી પરિસ્થિતિમાં જીએસટી એપ્રિલ-૨૦૧૭થી અમલી બને તે અંગે પણ અનિશ્ચિતતા વધી રહી છે. આ તમામ પરિબળોની અસર શેરબજાર ઉપર જોવા મળી રહી છે, જેના પગલે આ સુધારો આગામી દિવસોમાં કેટલો ટકાઉ રહેશે તે કહેવું મુશ્કેલ છે.

આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૬૮.૭૨ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ફ્લેટ ૬૮.૭૨ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયામાં સાધારણ મજબૂતાઇ નોંધાઇ હતી. નોંધનીય છે કે રૂપિયો ગઇ કાલે છેલ્લે ૬૮.૭૩ની સપાટીએ બંધ જોવાયો હતો, જોકે તુરત જ ડોલરની વેચવાલીએ રૂપિયામાં વધુ મજબૂતાઇની ચાલ એટલે કે રૂપિયો ૬૮.૬૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો હતો.
visit : www.sambhaavnews.com

You might also like