સેન્સેક્સે સર્જ્યો લાઈફ ટાઈમ રેકોર્ડ: 30,137 !

અમદાવાદ: વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા જોરદાર ઉછાળાના પગલે તથા સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારો દ્વારા એકધારી લેવાલીની અસરથી આવતી કાલે એપ્રિલ એક્સપાયરી પૂર્વે આજે શરૂઆતે શેરબજાર રેકોર્ડબ્રેક ઊંચાઈએ ખૂલ્યું હતું. આજે સેન્સેક્સ ૩૦ હજારની સપાટી ક્રોસ કરી ૧૫૭ પોઇન્ટના ઉછાળે ૩૦,૧૦૦ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે નિફ્ટી પણ ૪૬ પોઇન્ટના ઉછાળે ૯,૩૫૩ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. નિફ્ટીએ શરૂઆતે ૯,૩૫૩ની સપાટી વટાવી દીધી હતી.

બપોરે ૧૨.૦૦ વાગ્યાની સ્થિતિમાં સેન્સેક્સ ૩૦૧૩૭ની રેકોર્ડ બ્રેક સપાટીઅે જોવા મળ્યો હતો. વૈશ્વિક તથા સ્થાનિક મોરચે સકારાત્મક પરિબળોની અસરથી ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી છે. આજે શરૂઆતે બેન્કિંગ, એફએમસીજી, આઇટી અને રિયલ્ટી સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. રિલાયન્સ બાદ ગઇ કાલે વિપ્રો કંપનીએ અપેક્ષા કરતાં સારાં આપેલાં પરિણામના પગલે કંપનીના શેરમાં શરૂઆતે જે ૧.૮૦ ટકાથી વધુ ઉછાળો નોંધાયો હતો. બેન્ક ઓફ બરોડા, હિન્દાલ્કો, એક્સિસ બેન્કના શેરમાં ૧.૨૦ ટકાથી વધુ સુધારો જોવાયો હતો. દરમિયાન આજે બેન્ક નિફ્ટીમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. બેન્ક નિફ્ટી ૦.૪૦ ટકાના સુધારે ૨૨,૧૪૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે ફાર્મા સેક્ટરના શેરમાં પ્રેશર જોવા મળ્યું હતું. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ એફડીએના પ્રેશર વચ્ચે ફાર્મા કંપનીના શેર પ્રેશરમાં નોંધાયા હતા. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૧૨ ટકા ઘટાડો નોંધાયો હતો.

ડોલર સામે રૂપિયાે મજબૂત બન્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો સાત પૈસાની મજબૂતાઇએ ૬૪.૧૯ની સપાટીએ ખૂલ્યો હતો, જોકે તુરત જ ડોલરની સ્થાનિક બજારમાં જોવાયેલી વેચવાલીના પગલે રૂપિયામાં મજબૂતાઇની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે ફોરેક્સ બજારમાં ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૬૪ની સપાટી તોડી નીચે ૬૩.૯૯ના મથાળે રૂપિયો ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. રૂપિયામાં મજબૂતાઇનો ટ્રેન્ડ ચાલુ રહેલો નોંધાયો છે. સકારાત્મક ગ્લોબલ સંકેતો અને સ્થાનિક બજારમાં ડોલરની વેચવાલીએ રૂપિયામાં મજબૂતાઇ નોંધાઇ હતી. રૂપિયો ૨૧ મહિનાની ટોચે જોવા મળ્યો છે. કરન્સી ટ્રેડર્સની ઉત્તર કોરિયાની ઘટના ઉપર તથા આજે અમેરિકા કેવા ટેક્સ રિફોર્મના પગલાની જાહેરાત કરે છે તેના ઉપર નજર રહેલી છે.

શેરબજારમાં તેજીનો પવન કેમ?
• અમેરિકા સહિત યુરોપ અને એશિયાનાં મોટા ભાગનાં શેરબજારમાં ઉછાળો
• ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડનાં આવેલાં પરિણામોની અસરથી
• અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટેક્સમાં ઘટાડો કરી શકે છે, જેની આજે જાહેરાત થવાની શક્યતા
• સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારો દ્વારા પણ સતત લેવાલી
• રિલાયન્સ સહિત અન્ય અગ્રણી કંપનીઓનાં ચોથા ત્રિમાસિક સમયગાળાનાં અપેક્ષા કરતાં આવેલાં સારાં પરિણામો
• વૈશ્વિક ક્રૂડના ભાવમાં જોવા મળેલો ઘટાડો
• ૧ જુલાઇથી જીએસટી લાગુ થવાની વધતી આશા
• ડોલર સામે રૂપિયામાં જોવા મળેલી સતત મજબૂતાઇ
• પાંચ રાજ્યની ચૂંટણી બાદ દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને મળેલી બહુમતી
http://sambhaavnews.com/

You might also like