શેરબજારમાં શુષ્ક ચાલ નોંધાતી જોવાઈ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ નોંધાતી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૧૫૬ પોઇન્ટના ઘટાડે ૨૮,૦૨૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૩ પોઇન્ટના ઘટાડે ૮,૬૬૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. આજે શરૂઆતે આઇટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી. તો બીજી બાજુ બેન્ક અને ઓટોમોબાઇલ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

ટાટા ગ્રૂપમાંથી સાયરસ મિસ્ત્રીને ચેરમેનપદેથી હટાવતાં ટાટા ગ્રૂપની કેટલીક કંપનીઓના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે ટાટા સ્ટીલની કંપનીના શેરમાં ૨.૦૨ ટકા, જ્યારે ટીસીએસ કંપનીના શેરમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે એચડીએફસી બેન્ક, ગેઇલ, એચડીએફસી, ભારતી એરટેલ કંપનીના શેરમાં પણ એક ટકા સુધીનો ઘટાડો જોવાયો હતો.

બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૧.૭૭ ટકા, સન ફાર્મા કંપનીના શેરમાં ૧.૪૫ ટકા, જ્યારે સિપ્લા કંપનીના શેરમાં ૧.૧૯ ટકાનો સુધારો નોંધાતો જોવાયો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર એક્સપાયરી આગામી ગુરુવારે આવે તે પૂર્વે બજારમાં પ્રેશર જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ સકારાત્મક પરિબળના અભાવ વચ્ચે શેરબજારમાં નરમાઇની ચાલ નોંધાતી જોવા મળી રહી છે. દરમિયાન એશિયાઇ બજારમાં પણ આજે મિશ્ર ચાલ નોંધાતી જોવા મળી છે.

You might also like